મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લાના ઉદ્યોગપતિઓ અને વિવિધ એસોસિએશનના પ્રતિનિધિ સાથે પીએમ સુરક્ષા વીમા તથા જીવન જ્યોતિ વીમા અને અટલ પેન્શન યોજનાની અસરકારક અમલવારી બાબતે બેઠક યોજાઈ
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં તમામ જરૂરિયામંદ લોકોને બેંકો મારફતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજનાના લાભ મળે તે માટે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાનની અસરકારક અમલવારી માટે જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજી હતી.





આ બેઠકમાં કલેક્ટરએ ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશનને તેમના હેઠળ કામ કરતા કર્મચારીઓ, કામદાર તથા શ્રમિકોને આ યોજના હેઠળ સાંકળવા તથા વહીવટી તંત્રને શક્ય તમામ પ્રકારે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. વધુમાં વિવિધ ઉદ્યોગ અને વહીવટી તંત્રના સંકલનથી આ યોજનાઓના લાભ આપવા બેંક વિવિધ કેમ્પ યોજવા પણ કલેક્ટરશ્રીએ સબંધિતોને જણાવ્યું હતું. વધુમાં હાલ સમગ્ર જિલ્લામાં લોકોને બેંક દ્વારા આ યોજનાના લાભ આપવા કેમ્પ યોજાઈ રહ્યા છે ત્યારે કેમ્પનો લાભ લઈ સરકારની વીમા અને પેન્શનની યોજનાઓનો લાભ લેવા પણ કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજના અમલી બનાવવામાં આવી છે અને વિવિધ બેંક મારફતે યોજનાના લાભ આપવામા આવી રહ્યા છે.
ઓછી આવક ધરાવતા લોકો માટે સસ્તું વીમા કવચ પૂરું પાડવા અમલી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો ૧૮ થી ૭૦ વર્ષની વયના કોઈપણ ભારતીય નાગરિક કે જેમની પાસે બેંક ખાતું હોય તો આ યોજનાનો લાભ લઇ શકે છે. જેમાં આકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતામાં રૂ. ૨ લાખ અને આંશિક અપંગતામાં રૂ. ૧ લાખ આપવામાં આવે છે. જેનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત ૨૦ રૂપિયા જ છે.જે આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં નાણાકીય સુરક્ષા કવચ પૂરું પાડે છે.
ઓછા પ્રીમિયમ પર જીવન વીમા કવચ પૂરું પાડવના હેતુથી અમલી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો ૧૮ થી ૫૦ વર્ષની વયના કોઈપણ ભારતીય નાગરિક કે, જેમની પાસે બેંક ખાતું હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં કોઈપણ કારણથી મૃત્યુ થાય તો રૂ. ૨ લાખ વારસદારને મળવાપાત્ર છે. જેનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત રૂ. ૪૩૬ જ છે. જેના હેઠળ મૃત્યુના કિસ્સામાં નોમિનીને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે.
અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નિવૃત્તિ પછી નિયમિત પેન્શનની સુરક્ષા આપવા અમલી અટલ પેન્શન યોજનાનો લાભ ૧૮ થી ૪૦વર્ષની વયના ભારતીય કોઈપણ નાગરિક કે જેમની પાસે બેંક ખાતું હોય અને તે અન્ય પેન્શન યોજનાઓમાં સામેલ ન હોય તેને મળવાપાત્ર છે. જે યોજના હેઠળ ૬૦ વર્ષની ઉંમર પછી દર મહિને રૂ.૧૦૦૦, રૂ.૨૦૦૦, રૂ.૩૦૦૦, રૂ.૪૦૦૦ અથવા રૂ. ૫૦૦૦ (યોગદાનના આધારે) પેન્શન મળવાપાત્ર છે તથા લાભાર્થીના મૃત્યુ પછી જીવનસાથીને પેન્શન અને બંનેના મૃત્યુ પછી નોમિનીને કોર્પસ મળવાપાત્ર છે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ.ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, લીડ બેંક મેનેજરશ્રી સાકીર છીપા, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તથા સિરામિક, પેપરમીલ, પોલિપેક, પેકેજીંગ યુનિટ, ઘડિયાળ ઉદ્યોગ, સેનેટરીવેર સહિત વિવિધ ઉદ્યોગના ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
