મોરબીમાં તહેવારમાં પણ નિષ્ઠાભેર ફરજ બજાવતા કર્મવીરો સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી

“કૃતજ્ઞતા કાર્યક્રમ” અંતર્ગત પોલીસ, ટ્રાફિક વિભાગ, ફાયર બ્રિગેડ, એસટી, રેલવે, નગરપાલિકા, પેટ્રોલના કર્મચારીઓ પ્રત્યે આદર વ્યક્ત કરાયો

મોરબી : મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપ હંમેશા સમાજપ્રેરક અને માનવતાભર્યા કાર્યક્રમો માટે ઓળખાય છે. આ વર્ષે પણ દિવાળીના પાવન પર્વે ગ્રૂપ દ્વારા એક અનોખો અને હૃદયસ્પર્શી “કૃતજ્ઞતા કાર્યક્રમ” યોજાયો – જેમાં તહેવારના દિવસોમાં પોતાની ફરજને સર્વોપરી માનતાં અને પોતાના પરિવારથી દૂર રહીને સમાજસેવામાં તત્પર રહેનારા કર્મવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ, ટ્રાફિક વિભાગ, ફાયર બ્રિગેડ, એસ.ટી., રેલવે, નગરપાલિકા, પેટ્રોલ પંપ તેમજ અન્ય જાહેર સેવાઓમાં કાર્યરત કર્મચારીઓને મીઠાઈ આપીને તેમનો આદર વ્યક્ત કરાયો. ફરજને જ પૂજા સમજીને સતત સેવામાં રહેનારા આ કર્મવીરોના ચહેરા પર ખુશીની કિરણો ઝળહળતા દેખાયા હતા.

કાર્યક્રમ દરમિયાન યંગ ઈન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે, “માનવીના હૃદયમાં અજ્ઞાન, અંધશ્રદ્ધા, સ્વાર્થ, ઈર્ષ્યા જેવા અંધકારમય તત્વો વસેલા હોય છે. પરંતુ દિવાળી એ એ દિવસ છે, જ્યારે આપણે એ અંધકારનો નાશ કરીને અંતરમાં જ્ઞાન, કરુણા અને માનવતાના દીવા પ્રગટાવીએ છીએ. આ પ્રકાશપર્વ આપણને પોતાની ફરજ પ્રત્યેની નીષ્ઠા અને આપણી સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ યાદ અપાવે છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે,“દિવાળીનો સાચો અર્થ માત્ર ઘરોમાં દીવા પ્રગટાવવો નથી, પરંતુ અંતરમાં સદભાવના અને સદ્વિચારનો પ્રકાશ જગાવવો છે. યંગ ઈન્ડિયા ગ્રુપ આ પ્રકાશપર્વ એવા લોકોને સમર્પિત કરે છે, જે ખુદની દિવાળી ભૂલી સમાજના હિત માટે સતત પ્રજ્વલિત રહી સેવા આપે છે.”

દિવ્યતા, પવિત્રતા અને પરમ ઐશ્વર્યથી સંપન્ન દિવાળીના આ પર્વે યંગ ઈન્ડિયા ગ્રુપે ફરજનિષ્ઠ કર્મચારીઓને આદર અર્પણ કરીને સાચા અર્થમાં દિવાળીના પ્રકાશપર્વને “માનવતાનો મહોત્સવ” બનાવી દીધો. કાર્યક્રમ ના અંતે તમામ કર્મવીરોને દિવાળી તથા નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવી તેમની સેવા પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.