મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખોએ રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા તથા હરેશભાઈ બોપલિયા આજે ગુજરાત સરકારમાં શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત થયેલા કાંતિભાઈ અમૃતિયાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ અવસરે મોરબી સિરામિક ઉદ્યોગ તરફથી મંત્રીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મોરબી સિરામિક એસોસીએશના પ્રમુખોએ શ્રમ અને રોજગાર મંત્રાલયને લગતા વિવિધ પ્રશ્નો તથા ઉદ્યોગને આવતી અડચણો અંગે મંત્રી સમક્ષ વિગતવાર ચર્ચા કરી હતી.

મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આશ્વાસન આપ્યું હતું કે, “સિરામિક ઉદ્યોગ ગુજરાતની આર્થિક પ્રગતિમાં મહત્વનો હિસ્સો ભજવે છે. ઉદ્યોગને લગતા કોઈપણ પ્રશ્નો કે મુશ્કેલીઓ અંગે મને તાત્કાલિક જાણ કરશો, હું તેના ઝડપી અને સકારાત્મક નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહીશ.” મોરબી સિરામિક ઉદ્યોગ તરફથી મંત્રીના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળે તેવી આશા વ્યક્ત કરી, તેમજ નૂતન વર્ષાભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.