દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી નિમિત્તે
મોરબી: શરીરમાં દુઃખાવો થાય તો આપણે પેઈનકિલર લઈને ઉપાય કરી શકીએ, પણ કોઈનું દિલ દુભાય ત્યારે શું કરવું? એરપોર્ટ જવાનો રસ્તો ભૂલાઈ જાય તો જીપીએસ ની મદદથી સાચા રસ્તે વળી શકીએ, પણ જીવનની મુશ્કેલી ભરેલી રાહમાં ક્યાંક અટવાઈ ગયા હોઈએ ત્યારે શું? ઉનાળાની કાળઝાળ ગરમીમાં એરકંડીશન ચાલુ કરતા શાંતિનો અનુભવ થાય, પણ સંસારના બફારામાં ચેન ક્યાંથી મળે? આવા તમામ પ્રશ્નોના ઉકેલ મેળવવાની જગ્યા એટલે “જોવા જેવી દુનિયા”! અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતીના ભવ્ય મહોત્સવ નિમિત્તે આ અનોખી દુનિયા સાકાર થઈ રહી છે મોરબી ખાતે રવાપુર-ઘુનડા રોડ ઉપર.
આ મહોત્સવનો શુભારંભ થશે, ૧ નવેમ્બરના રોજ, સાંજે ૫.૩૦ વાગ્યે એક સંસ્કૃતિક કાર્યક્રમ સાથે. ત્યારબાદ ૧ થી ૭ નવેમ્બર દરમિયાન રોજ સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી આ “જોવા જેવી દુનિયા”ના દરવાજા ખુલ્લા રહેશે જે નાના-મોટા સહુના આનંદ, ઉત્સાહ અને જ્ઞાનમાં વધારો કરશે.
૧ થી ૭ નવેમ્બર સુધી મોરબીવાસીઓને મંત્રમુગ્ધ કરશે ગમ્મત સાથે જ્ઞાન પીરસતી “જોવા જેવી દુનિયા”
૩૨ લાખ ચોરસ ફૂટમાં પથરાયેલી આ “જોવા જેવી દુનિયા” માં બાળકો અને યુવાનો માટે જીવનના ગૂઢ પ્રશ્નોના સમાધાન આપતા મલ્ટીમીડિયાની આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ “ચિલ્ડ્રન પાર્ક” અને “થીમ પાર્ક”, તેમજ વાલીઓ માટે બાળકોનું માનસ સમજીને તેમની કઈ રીતે કેળવણી કરવી તેની સમજણ આપતી “પેરન્ટસ કી પાઠશાલા” નો સમાવેશ થાય છે. એટલું જ નહીં, “જોવા જેવી દુનિયા”માં બાળકો માટે લકી-ડ્રો, ટેલેન્ટ શો સાથે જ્ઞાન પીરસતું એમ્ફીથીયેટર, અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસતું ફૂડ કોર્ટ, ટેકનોલોજી અને જ્ઞાનનો સમન્વય કરતી વેબ દુનિયા, બાળ વિજ્ઞાન અને આધ્યાત્મિક પુસ્તકોનો ખજાનો પૂરો પાડતા બુક સ્ટોર્સ પણ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે.
આ ઉપરાંત, મહોત્સવ અંતર્ગત ૨, ૩ અને ૫ નવેમ્બરના રોજ સવારે ૧૦ થી ૧૨:૩૦ તેમ જ ૨ અને ૩ નવેમ્બરે રાત્રે ૮:૩૦ થી ૧૧ દરમિયાન આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ પણ રહેશે. આ પ્રશ્નોત્તરી સત્સંગની ખાસિયત એ છે કે અહીં કોઈપણ વ્યક્તિ પોતાને મૂંઝવતા સંસારિક કે વ્યવહારિક પ્રશ્નો પૂછીને તેના સમાધાન પૂજ્ય દીપકભાઈ પાસેથી મેળવી શકે છે. ૪ નવેમ્બરના રોજ પરમ પૂજ્ય દાદા ભગવાનના ૧૧૮મા જન્મદિવસની ભવ્ય ઉજવણી થશે, જેમાં સવારે ૮ થી ૯:૨૦ દરમિયાન પૂજન તેમ જ આરતી અને ત્યારબાદ સવારે ૧૦:૩૦ થી ૧ તેમજ સાંજે ૫ થી ૬ દરમિયાન પૂજ્ય દીપકભાઈના દૃષ્ટિદર્શન રહેશે.
બુધવાર ૫ નવેમ્બરના રોજ રાત્રે ૭:૩૦ થી ૧૧ દરમિયાન દરમિયાન, આત્મસાક્ષાત્કાર થકી દિવ્યદૃષ્ટિ પ્રદાન કરતી જ્ઞાનવિધિનો કાર્યક્રમ યોજાશે. જ્ઞાનવિધિ એક એવો આધ્યાત્મિક પ્રયોગ છે જેમાં એક કલાકમાં આત્મા અને અનાત્માના ભેદ પાડતા વાક્યો બોલાવવામાં આવે છે, જેના થકી પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે. ત્યારબાદ આત્મજ્ઞાન સાથે વ્યવહારની ફરજો પૂરી પાડવાની સચોટ સમજણ આપતી પાંચ આજ્ઞા સમજાવવામાં આવે છે. જ્ઞાનવિધિનો પ્રયોગ લાખો લોકોના જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવનાર સાબિત થયો છે. આત્મસાક્ષાત્કાર પામવા માટેના આ પ્રયોગમાં પ્રત્યક્ષ હાજરી આવશ્યક છે.
એક અનુમાન મુજબ દાદા ભગવાન પરિવારના દેશ-વિદેશમાં રહેતા અંદાજે ૨૦,૦૦૦ થી વધુ અનુયાયીઓ આ મહોત્સવમાં ભાગ લેવા મોરબી પધારશે. મોરબીમાં પ્રથમવાર યોજાઈ રહેલ જોવા જેવી દુનિયાના અનોખા, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક સંબંધી સ્થાનિક લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. મહોત્સવ દરમ્યાન મોરબી અને આસપાસના વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં લોકો જોવા જેવી દુનિયાની મુલાકાત લે તેવી ધારણા છે.
મહોત્સવમાં દેશ-વિદેશથી અંદાજે 20 હજાર અનુયાયીઓ તેમ જ મોરબી અને આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની ધારણા છે.
આ પ્રસંગે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અન્ય મંત્રીશ્રીઓ તેમ જ વિભિન્ન ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરશે.
વિવિધ ટીવી ચેનલ્સ પર સત્સંગ કાર્યક્રમ નિહાળતા મોરબી અને આસપાસના જિલ્લામાં રહેતા લાખો જિજ્ઞાસુઓ માટે પૂજ્ય દીપકભાઇને પ્રત્યક્ષ જોવા-સાંભળવાની આ એક સુવર્ણ તક હશે. વિશ્વભરમાં આજે લાખો લોકો દાદા ભગવાનના અલૌકિક અક્રમ વિજ્ઞાન દ્વારા જીવન જીવવાની સાચી સમજણ પ્રાપ્ત કરી નિરંતર આનંદમાં રહેતા રહેતા મોક્ષમાર્ગ પર પ્રગતિ કરી રહ્યા છે. મોરબીના રહેવાસીઓના પુણ્યોદયે તેમને ઘરઆંગણે આ અદભૂત વિજ્ઞાન જાણવા તેમજ તે માર્ગે ચાલવાની સમજ મેળવવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે.
ઉલ્લેખનીય છે કે આ આખો કાર્યક્રમ નિ:શુલ્ક છે અને તેનો લાભ દરેક ધર્મ/સંપ્રદાયના લોકો લઈ શકશે.
મોરબી ખાતે આયોજિત આ મહોત્સવની વધુ જાણકારી આપ અમારી વેબસાઈટ jj.dadabhagwan.org પર મેળવી શકો છો.






