કેમ્પ અન્વયે સ્થળ પર ૧૮ દાવેદારોને રૂ. ૨૪ લાખના દાવાના સર્ટીફીકેટ એનાયત કરાયા; અન્યને જરૂરી માર્ગદર્શન અપાયું
મોરબીમાં લીડ બેંક – સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નાગરિકો અને બેંકોને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેલા દાવા વગરના (Unclaimed Financial Assets) નાણા વિશે માહિતી આપવા તથા આ નાણાં માટે દાવો કેવી રીતે કરવું તે સમજાવવાના હેતુથી મેગા જાગૃતિ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થળ પર જ ૧૮ દાવેદારોને ૨૪ લાખના દવાઓના સર્ટિફિકેટ મંચસ્થ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
ભારત સરકારના નાણામંત્રાલયના નાણાકીય સેવા વિભાગ (DFS) દ્વારા ભારતીય રિઝર્વ બેન્ક, IRDAI, SEBI અને IEPFA ના સહયોગથી ‘તમારા પૈસા, તમારો અધિકાર’ નામે રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીમાં યોજાયેલ મેગા જાગૃતિ કેમ્પમાં દાવા વિનાના ૨૪ લાખ રૂપિયા માટે ૧૮ દાવેદારોને નાણાકીય રાશી અર્પણ કરવામાં આવી હતી. જ્યારે અન્ય દાવા વિનાની નાણાકીય રકમ ઝડપથી મેળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નાગરિકોને નાણાકીય અને ડિજિટલ જાગૃતિ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો જેમાં લોકોએ પોતાના નાણાકીય અધિકારો અને સુરક્ષા વિશે વધુ માહિતગાર બન્યા હતા.
આ કાર્યક્રમમાં દાવો ન કરાયેલ થાપણો અંગેના અભ્યાન પુસ્તકનો વિમોચન, જાગૃતિ વિડિયો પ્રદર્શન, દાવા કરવાની પ્રક્રિયા અને સાયબર સુરક્ષા અંગે સત્રનું આયોજન તથા છેતરપિંડી થી બચવાના ઉપાયો માટેનું સત્ર સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં DGM, SLBC ગુજરાત વીણાબેન શાહ, મોરબી લીડ બેંક મેનેજર સાકીર છીપા, મોરબી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ઉપમા પ્રબંધક મોહન કૃષ્ણ, બેંક ઓફ બરોડાના ડીઆરએમ ધીરજ મહારોત્રા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મોરબી ક્ષેત્રના ચીફ મેનેજરશ્રી યશ અગ્રવાલ, મોરબી નાબાર્ડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આદિત્ય નિકમ tathaav વિવિધ નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ બેંકના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.






