મોરબી : ગુજરાત સાયબર ક્રાઇમ એક્સલન્સ સેલની ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતું મોટું સાયબર કૌભાંડ ઉકેલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન ખુલ્યું કે મ્યુલ બેંક એકાઉન્ટમાં પડેલા કરોડો રૂપિયા ક્રિપ્ટોકરન્સી-બીટકોઇન અને યુએસડીટીમાં કન્વર્ટ કરી દુબઈના માધ્યમથી પાકિસ્તાન મોકલવામાં આવતાં હતાં.
આ પ્રકરણમાં સુરતના મુખ્ય સૂત્રધારની ધરપકડ બાદ પોલીસે મોરબીના ત્રણ, સાવરકુંડલાના એક અને સુરતના એક શખ્સને કાબૂમાં લીધા છે. ગુજરાત સાયબર સેલના પીઆઈ ડોડિયા અને તેમની ટીમે ડિજિટલ ઍરેસ્ટ પ્રક્રિયા બાદ આ ગેંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લખતર માર્કેટિંગ યાર્ડમાં “શિવમ ટ્રેડિંગ” નામની ફર્મ મારફતે આ ધનપ્રવાહ ચાલી રહ્યો હતો. મૂળ મોરબીના અને હાલ લખતર રહેતા મહેન્દ્ર સોલંકી, રૂપેન ભાટિયા, માણિયા રાકેશ, દેલવાડિયા રાકેશ તેમજ સાવરકુંડલાના પંકજ કથીરિયા અને સુરતના વિજય રબારીની ધરપકડ કરવામાં આવી છે.
મોરબીના આરોપીઓ મ્યુલ એકાઉન્ટમાં આવેલ નાણાં એટીએમ મારફતે ઉપાડવાનું કામ કરતા હતા, જ્યારે સુરત-દુબઈ કડી મારફતે નાણાં ક્રિપ્ટો સ્વરૂપે પાકિસ્તાન મોકલાતા હતા. ચેતન ગાંગાણી નામના શખ્સ દ્વારા આ રૂપાંતર પ્રક્રિયા હાથ ધરાતી હતી. અંદાજે દસ કરોડ રૂપિયા સુધીનો નાણાં ટ્રાન્સફર થયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. પોલીસની વધુ તપાસમાં અન્ય લોકોના નામ પણ સામે આવવાની સંભાવના છે.






