મોરબી તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો

આરોગ્ય મેળાઓ થકી લોકોના આરોગ્યની સુખાકારીની ચિંતા સેવાઇ રહી છેઃ મંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં મોરબી તાલુકા આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓને એનસીડી વિભાગ, યુનિક હેલ્થ આઇડી કાર્ડ, ટેલિમેડીસિન, હોમિયોપેથિક, આયુર્વેદિક, આઇસીડીએસ, આયુષ્માન ભારત કાર્ડ, ફેમિલી પ્લાનીંગ, એનિમિયા વિભાગ, જનરલ ઓ.પી.ડી. કોરોના રસીકરણ, આંખ વિભાગ, લેબોરેટરી સહિતના વિભાગો દ્વારા સ્ટોલ પર વિવિધ સેવાઓ લાભાર્થીઓને આપવામાં આવી હતી.

મોરબીમાં યોજાયેલ આરોગ્ય મેળાનો ખુલ્લો મુકતા મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, સરકાર લોકોના સ્વાસ્થ્ય અંગેની પૂરતી તકેદારી લઇ રહી છે તેના ભાગરૂપે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આવીને આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટનો શીલાન્યાસ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતમાં આરોગ્ય મેળાઓ થકી લોકોના આરોગ્યની સુખાકારીની ચિંતા સેવાઇ રહી છે. મંત્રીએ આરોગ્ય અંગે લાભાર્થીઓને ચેપી અને બિનચેપી રોગો અંગે જાણકારી મેળવી સાવધ થવા અપીલ કરી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ જણાવ્યું હતું કે, આરોગ્યની સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતનો કોઇપણ નાગરિક આરોગ્યની સુવિધાઓથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર આરોગ્ય મેળાઓ  સરકાર યોજી રહી છે.

જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જન્મથી લઇને મૃત્યુ સુધીની છેવાડાના માનવીને સ્પર્શ કરતી યોજનાઓ થકી અનેક લાભો આપી રહી છે.

        આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને અન્ય અગ્રણીઓ દ્વારા મેળામાં આરોગ્ય વિભાગ, આઇસીડીએસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને આયુષ વિભાગ દ્વારા યોજાયેલ સ્ટોલ ની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ચંદુભાઇ શિહોરા, કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઇ પડસુંબીયા, આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયા, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, આરોગ્ય અધિકારી કતીરા, સિવિલ સર્જન પ્રદિપ દુધરેજીયા, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાહુલ કોટડીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા કારોબારીના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા સહિત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.