મોરબી : ખેડુતોને કિશાન ક્રેડીટ કાર્ડ અંતર્ગત લાભ આપવા બેન્કોના અધિકારીઓની બેઠક યોજાઇ

કિશાન ભાગીદારી પ્રાથમિકતા હમારી કાર્યક્રમ અંતર્ગત પી.એમ.કિશાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે

કિશાન ભાગીદારી પ્રાથમિકતા હમારી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં પી.એમ.કિશાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. આ લાભ આપવા કલેકટર કચેરી મોરબી ખાતે કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેંકોના અધિકારીઓની બેઠક ગત તા.૨૧/૦૪/૨૦૨૨ ના રોજ યોજાઇ હતી.

જીલ્લા કલેક્ટર જે.બી.પટેલે તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવે ઉપસ્થિત તમામ બેન્ક અધિકારીઓને કેસીસીના લાભાર્થીઓ ને આ યોજનાનો લાભ સમયમર્યાદામાં મળે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ગ્રામસભાના મધ્યમથી યોજનાનો વધુમાં વધુ પ્રચારપ્રસાર કરવાનો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તમામ લાભાર્થીઓને પી.એમ.જે.જે.બી.વાય. અને પી.એમ.એસ.બી.વાય. યોજનામાં આવરી લેવા તેઓએ જણાવ્યું હતું.

આ બેઠકમાં લીડ બેન્ક મેનેજર સુરેશ પવાર એ યોજનાની વિગતો જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ. કિસાન યોજનાના જે લાભાર્થીઓએ કેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) યોજનાનો લાભ ના લીધેલ હોય તેના માટે છે. મત્સ્યોદ્યોગ તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે. 3 લાખ સુધીની લોન માટે વ્યાજ દર ૭ ટકા રહેશે. જો આ લોન ૩૬૫ દિવસની અંદર ભરપાઈ કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવશે.

ડીડીએમ નાબાર્ડ અરાસુ બર્નાબાસએ જણાવ્યું હતું કે કેસીસી નો લાભ બેન્કો દ્વારા સરળતાથી અને ત્વરિત આપવામાં આવશે. પી.એમ. કિસાન યોજનાના જે લાભાર્થીઓ કેસીસીનો લાભ લઈ રહ્યા છે તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેન્કની શાખાનો સંપર્ક કરી શકે છે. તેમજ લાભાર્થીઓને આ યોજનાનુ સરળ ફોર્મ ભરવા માટેની માહિતી નજીકના સીએસસી કેન્દ્ર પરથી મળશે. તા. ૨૪ એપ્રિલ થી ૧ મે સુધીમાં આ યોજનાના તમામ લાભાર્થીઓને આ યોજનામાં આવરી લેવા તેઓએ વધુમાં જણાવ્યું હતું.

આ બેઠકમાં એલ.ડી.એમ. સુરેશ પવાર, ડીડીએમ નાબાર્ડઅરાસુ બર્નાબાસ સહિત જીલ્લા ખેતીવાડી, પશુપાલન, મત્સ્યોદ્યોગ તથા બેન્કોના અધિકારીઓ-પ્રતિનિધિઓ હજાર રહ્યા હતા.