યુવતી તેમજ બન્ને પક્ષના સભ્યોનું કાઉન્સીલિંગ કરી યુવતીના પિયરના સભ્યોને સમજાવી દીકરીને માતા-પિતાને સોંપી
રાજ્ય સરકારના યશસ્વી પ્રયાસોથી મહિલાઓની મદદ માટે 181 અભયમ સેવા સતત કાર્યરત છે. આ મહિલા હેલ્પલાઇન નંબર થકી મહિલાઓ કોઈ પણ સંજોગોમાં તુરંત મદદ મેળવી શકે છે. ત્યારે મોરબીમાં ખૂબ જ મુશ્કેલી ભરેલી સ્થતિમાં અટવાયેલી એક યુવતીની મદદે અભયમની ટીમ દોડી ગઈ હતી. પૂર્વ પતિ સ્વીકારતો ન હોય અને માવતર સાચવવા તૈયાર ન હોય, એવી સ્થિતિમાં 181 અભયમની ટીમ યુવતીની વ્હારે આવી હતી.
આ અંગેની વિસ્તૃત વિગત મુજબ 181 મહિલા હેલ્પલાઇન નંબર ઉપર મોરબીની એક 19 વર્ષીય યુવતી મદદ માટે ફોન કરે છે, જેથી અભયમ ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ કોકિલાબેન સોલંકી, પાયલોટ મિતેષભાઈ કુબાવત તુરંત યુવતીની મદદે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી કાઉન્સિલરે બન્ને પક્ષના સભ્યોનું કાઉન્સીલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, એક મહિના પહેલા જ યુવતીએ મોરબીના જ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જોકે 5 દિવસમાં જ છૂટાછેડા થઈ ગયા હતા, પરંતુ યુવતી આ વાત માનવ તૈયાર નહોતી. તેણી પતિની સાથે જ રહેવા માંગતી હતી, પણ પતિ સ્વીકારવા તૈયાર નહોતો, કારણ કે અગાઉથી જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. આ તરફ યુવતી પોતાના માવતરે પહોંચી હતી, પરંતુ પ્રેમ લગ્ન કર્યા હોય માવતર પણ સાચવવા તૈયાર નહોતા.
પૂર્વ પતિના જણાવ્યા મુજબ છૂટાછેડા થઈ ગયા છે પણ જો યુવતીના પરિવારજનો રાજીખુશીથી લગ્ન કરી આપે તો જ તે યુવતીને સ્વીકારશે. આવી સ્થિતિમાં યુવતી ખૂબ જ મુશ્કેલી અનુભુવી રહી હતી. જોકે અભયમના અનુભવી કાઉન્સિલરે યુવતીના માતા-પિતાને ખૂબ જ સંયમ પૂર્વક સમજાવ્યા હતા. જેથી પિયરના સભ્યો દીકરીને સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા. આમ મહિલા હેલ્પલાઈન 181 અભયમની ટીમેં યુવતીની વ્હારે જઈ દીકરીને માતા-પિતાને સોંપી હતી.