સ્ત્રી શક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ: આંગણવાડીમાં કામ કરતા વિધવા મહિલાની પુત્રી ડોક્ટર બની

મોરબી: જો જીવનમાં કંઈક સિદ્ધ કરવાની આશા હોય તો ક્યારેય નિરાશા નથી મળતી. જો આ સમાજમાં સ્ત્રી એકલી તો તેની સામે એક મોટો પડકાર છે. ત્યારે આમરણ ગામમાં આંગણવાડી કાર્યકર તરીકે મામુલી પગારમાં કામ કરતા વિધવા મહિલાએ અનેક સંધર્ષો વેઠી પુત્રીને ભણાવીને ડોક્ટર બનાવી છે.

ડો.ડેનિશા સોલંકી જયારે ત્રણ વર્ષની બાળકી હતી. ત્યારે તેના પિતા અમરશીભાઈનું આકસ્મિક અવસાન થયું હતું. જેથી માતા પુષ્પાબેન પર નાના બે બાળકો ડેનિશા અને ભાર્ગવની ભરણ પોષણની જવાબદારી ઓચિંતા આવી પડી હતી. સંજોગોવસાત માતાને બાળકો સાથે માવતર નાથાભાઇ લખુભાઇ પરમારના આંગણે આશ્રય લેવાની ફરજ પડી હતી. માવતરે પણ વધુ બોજારૂપ નહિ બનવા માતા પુષ્પાબેને આંગણવાડીમાં કાર્યકર તરીકે મામુલી પગારથી નોકરી સ્વીકારી લઈ બાળ ઉછેરની જવાબદારી વહન કરવાનું નકકી કર્યુ. પતિ અમરશીભાઈના મૃત્યુ બાદ જીવનની લાંબી મઝલ કાપવાની બાકી હોય પુનઃલગ્ન કરવા બાબતે પારિવારીક સૂચનો થયા પરંતુ પુષ્પાબેને દીકરા દીકરીને આગળ વધારવા માટે પુન:લગ્નની ના પાડી દીધી હતી. એ પછી ડેનિશાને ભણવા બેસાડી હતી. એ ખૂબ ભણવામાં હોંશિયાર હોવાથી ડેનિશાને અલિયાબાડામાં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળ્યો હતો. અને ધો.પથી ૧૨નો અભ્યાસ પુરો કર્યો હતો. એમાં પણ સારા ગુણાંક આવતા એને વડોદરાની મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું હતું.

ત્યારબાદ ડેનિશાએ વડોદરા ખાતે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી એમ.બી.બી.એસનો ઉચ્ચ અભ્યાસ પુર્ણ કરી તાજેતરમાં એપ્રિલ-૨૨માં એમ.બી.બી.એસ ડિગ્રી મેળવી છે. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર બાદ ડેનિશાએ ડોક્ટર બનવાવાનો દ્રઢ સંકલ્પ કર્યો અને અથાત મહેનત કરી એમ.બી.બી.એસની પદવી મેળવી દલિત સમાજ તથા પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે. જ્યારે માતા પુષ્પાબેને પણ હિંમત હારી જવાના બદલે અનેક સંધર્ષો દુ:ખો વેઠી બાળકોના ઉછેરમાં સર્વસ્વ હોમી દીધું અને આખરે સફળતા મેળવી. ત્યારે માતા પુષ્પાબેનને પણ લોકો વંદન કરી રહ્યા છે. અને ઠેર-ઠેરથી ડેનિશા સોલંકીને શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.