હળવદ : રાજ્યકક્ષાએ કબડ્ડીમા મયુરનગરની બે વિદ્યાર્થીનીએ ગોલ્ડ મેડલ હાંશિલ કર્યો

ગોલ્ડ મેડલ જીતીને હળવદનુ ગૌરવ વધાર્યું

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ તાલુકાની મયુરનગર ગામની સરકારી ઉ.મા શાળાની બે વિદ્યાર્થીનીઓ પરંપરાગત ભારતીય રમત કબડ્ડીમા રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી લાવી છે. મયુરનગરના પશુપાલક લાલજીભાઈ સાવધરિયાની દિકરી રાધા સાવધરિયા અને મયુરનગર શાળામાં ભણતી રાયસંગપુર ગામની વતની વિસાણી અનિલભાઈની દિકરી નિધિ વિસાણીએ મોરબી જિલ્લાની ટીમ વતી રમીને ખેલમહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહેલો નંબર મેળવ્યો છે.ઈન્ડોર સ્ટેડિયમના ગ્રાઉન્ડ માટેના મેટિંગ શૂઝ પણ બીજા ખેલાડીના પહેરીને પ્રેકિટસ કરી અને ઝોન કક્ષાએ રમી પછી ગુજરાત રાજ્ય કક્ષાએ રમી કબડ્ડી U-17 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી લાવી છે.

આ તકે વિસાણી નિધિએ જણાવ્યું હતું કે અમે ખેલ મહાકુંભ પહેલા તો રોજ પ્રાથમિક શાળાના માટીના ગ્રાઉન્ડમા પ્રેક્ટિસ કરતા હતા, પ્રોફેશનલ મેટિંગ શૂઝતો અમારી પાસે હતા નહી પરંતુ જિલ્લા કક્ષાની ટીમમાં પસંદગી થતા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સિનિયર કોચ ચૌહાણ રવિભાઈ અને વિજયભાઈની મદદથી DLSSની અન્ય ખેલાડીના શૂઝ પહેરીને આટલે સુધી પહોંચ્યા છીએ.

બીજી ખેલાડી સાવધરિયા રાધાએ જણાવ્યું હતું કે અમારા લોકલ કોચ મહેશ પટેલનો મુખ્ય વિષય અંગ્રેજી હોવા છતા અમને કબડ્ડીના ગ્રાઉન્ડમાં રમતા કર્યા. તેમના કોચિંગ હેઠળ અમે પહેલા વર્ષે જ ખેલ મહાકુંભમાં ભાગ લીધો અને પછી DLSS મોરબીના વિજયભાઈના કોચિંગ હેઠળ ગોલ્ડ મેડલ સુધી પહોંચ્યા. શાળાના આચાર્ય અલ્તાફ ખોરજિયાએ બન્ને દિકરીઓને અભિનંદન પાઠવ્યા હતા.