મોરબી જિલ્લો બન્યો ગ્રામ્યસ્તરે ૧૦૦ ટકા ઘર ઘર નળ જોડાણ ધરાવતો જિલ્લો

નલ સે જલ યોજનાએ કર્યુ ભગીરથ કામ નિર્મળ નીર પહોંચ્યા ઘર ઘર ને ગામે ગામ, મોરબી જિલ્લાના ૫ તાલુકા ના ૩૪૨ ગામના ૧.૮૫ લાખ  જેટલા ઘર-ઘરને મળ્યું ૧૦૦ ટકા નળ જોડાણ

        ‘જળ એ જ જીવન’ સૂત્રને ચરિતાર્થ કરતું અભિયાન એટલે નલ સે જલ અભિયાન. જીવન અમૃત એવા પાણીને  ઘર-ઘર સુધી પહોંચાડવાના ભગીરથ ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો. એ મિશનના પરિણામ સ્વરૂપ મોરબી જિલ્લો ગ્રામીણ સ્તરે ૧૦૦ ટકા ઘર ઘર નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે.

        ગુજરાતના વિકાસ પથ પર કદમ સાથે કદમ મિલાવીને દોડી રહેલા મોરબી જિલ્લામાં આ યોજનાના પ્રારંભે ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ ની સ્થિતિએ ૩૪૨ ગામડાના કુલ ૧,૮૫,૧૦૦ જેટલા ઘરમાંથી ૧,૭૦,૭૪૭ ઘર નળ જોડાણ ધરાવતા હતા એટલે કે ૯૨.૨૫ ટકા નળ કનેક્શન હતા. નલ સે જલ અંતર્ગત પાણીનું જોડાણ પહોંચાડવામાં બાકી રહેલા ૧૪,૩૫૩ ઘરને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા અને છેવાડાના ગામડાઓમાં પણ ઘર ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું જેથી મોરબી જિલ્લો બન્યો ૧૦૦ ટકા હર ઘર નળ જોડાણ ધરાવતો જિલ્લો.

        સરકાર દ્વારા ૫,૬૫,૩૧,૫૭૫ જેટલી અંદાજિત રકમની ૫૦ જેટલી યોજનાઓ અમલી બનાવવામાં આવી અને વાસ્મો લાગી ગયું આ ઘર-ઘર સુધી પાણી પહોંચાડવાના કાર્યમાં. ભારત સરકારના જલ જીવન મિશન હેઠળ મોરબી જિલ્લામાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત તમામ ગામોમાં દરેક ઘરે નળ જોડાણ મળે તે હેતુથી હયાત તથા  વિસ્તારવાની કે વિકસાવવાની સુવિધા બાબતે સ્થાનિક અગ્રણીઓ, ગામના સરપંચઓ, તલાટીઓ તથા પાણી સમિતિઓને સાથે રાખી વાસ્મોની ટીમ દ્વારા જરૂરિયાત મુજબ લોકભાગીદારી આધારિત યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું અને આવી રહ્યું છે. આમ, મોરબી જિલ્લાના ૫ તાલુકાના ૩૪૨ ગામના ૧,૮૫,૧૦૦ ઘરને સો ટકા નળ જોડાણ આપવાનું આ અભિયાન સાર્થક બન્યું. નળ કનેક્શન દ્વારા પાણી સીધું પહોંચ્યું લોકોના ઘર સુધી જેથી, માથે બેડાં સાથે નારીની વ્યથા પણ હવે ભૂતકાળ બની.