સાંસદએ વિવિધ વિભાગોની ભૌતિક અને નાણાંકીય કામગીરી અંગે માહિતી મેળવી પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા તાકીદ કરી
ડિસ્ટ્રીક કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની મીટીંગ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી
આ બેઠકમાં શ્યામાપ્રસાદ મુખર્જી રુર્બન મિશન હેઠળ થયેલા કામોની વિગતો જાણી તેમાં નવી આંગણવાડીમાં બાંધકામ અને રિપેરીંગ અંગેના પ્રગતિ હેઠળના કાર્યો જલ્દીથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી જ્યારે મનરેગા યોજના હેઠળ રમત-ગમતના મેદાનો તેમજ સામૂહિક કામો અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે આવાસોનું બાંધકામ બાકી રહી ગયેલ છે તેને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. મોરબી નગરપાલિકામાં જે પ્રોજેક્ટ અધુરા છે તેની સબંધિત એજન્સીને તે કામ જલ્દી થી પૂર્ણ કરવા તેમજ આ અંગે કમિટી બનાવી ૧૫ દિવસમાં અહેવાલ તૈયાર કરવા સાંસદ મોહનભાઇ કુંડારિયાએ સૂચના આપી હતી.
સાંસદ મોહનભાઇ કુંડારિયાએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ દત્તક લીધેલા બાળકોને મળતા પોષણ અંગે જાણકારી મેળવી તેમજ તેમનું મોનીટરીંગ જાળવવા અને મધ્યાહન ભોજન અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ જે તે સંબંધિત વિભાગના અધિકારીઓને આપવામાં આવી હતી તેમજ ખાણ ખનીજ વિભાગ વિશે ચર્ચા કરી ઉપસ્થિત થતી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહીલે બેઠકનું સંચાલન કરી સબંધિત વિભાગના અધિકારીએ દરેક પ્રોજેક્ટમાં થયેલી કામગીરી રજૂ કરી હતી જેના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંકલીત યોજનાઓમાં મોરબી જિલ્લાઓમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતા મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.