સરસ્વતી શિશુમંદિર – મોરબી દ્વારા “શિશુ ક્રીડાલય” નો મંગલ પ્રારંભ

બાળકનો સર્વાંગી અને સમગ્ર વિકાસ કરવો અને બાળકનાં માધ્યમથી પરિવાર,સમાજ,રાષ્ટ્રને સુખી અને સમૃદ્ધ કરવા આ વિચાર થી મોરબી શિશુમંદિરમાં શિક્ષણમાં નવા-નવા પ્રયોગો થઈ રહ્યાં છે. ભારતીય જ્ઞાન અને જ્ઞાન આધારિત જીવનધારા ફરી આ દેશ માં વહેતી થાય જેથી વ્યક્તિ અને વિશ્વનું કલ્યાણ થાય એ શિક્ષણનું સાર સૂત્ર છે.

વ્યક્તિ નિર્માણનું કાર્ય ગર્ભાધાનથી જ શરૂ થઈ જાય. જન્મથી લઈ અને ત્રણ વર્ષ સુધીમાં બાળક ધણુ બધુ શીખી લે છે. શીખવા માટે ઈશ્વરે આપણને જ્ઞાનેન્દ્રિય,કર્મેન્દ્રિય,મન,બુદ્ધિ,ચિત,અહંકાર આપ્યા છે.આ ઈશ્વરદાન સાધનોથી બાલ્યાવસ્થામાં આહાર,ઊંઘ,વ્યાયામનાં માધ્યમથી બાળકનું જીવન ઘડાય છે. વ્યાયામમાં શારીરિક ક્રિયાઓ સાથે રમતનું પણ બહુ મોટું યોગદાન છે. રમવામાં પણ બાળકોને રમકડાથી રમવું ખૂબ ગમે છે. કુદરતી રંગો જેવા કે લાલ, લીલો, પીળો, નારંગી, ગુલાબી રંગના રમકડાં બાળકોને ખૂબ ગમે, લાકડાના રમકડાં આરોગ્ય માટે સારા,મૃદુ-કોમળ-ઝાંઝરી જેવા અવાજવાળા રમકડાં ગમે, ટેડીબિઅરને બદલે ઢીંગલી થી રમવું ગમે, બંદૂકને બદલે ગદા,ધનુષ્ય,બાણવાળા રમકડાથી રમીએ તો પરાક્રમ વધે, માટી તથા લોટમાંથી બનાવેલાં રમકડાં અતિ સારા.
રમકડાં માટે ઉપર મુજબની શુદ્ધ ભારતીય સંકલ્પનાને ધ્યાનમાં રાખી મોરબી શિશુમંદિરમાં ૨૬/૬/૨૦૨૨ ને રવિવાર નાં રોજ “શીશુ ક્રીડાલય” (રમકડાની લાઈબ્રેરી) નો મંગલ પ્રારંભ થયો. બાળકને દર અઠવાડિયે એક નવું રમકડું ની:શુલ્ક રમવા મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આના ઉદ્ધાટન કાર્યકર્મમાં અધ્યક્ષ તરીકે પધારેલ શ્રી રાહુલભાઈ ત્રિપાઠી જેઓ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે જવાબદારી છે તેમણે આ કાર્યને હદયથી બિરદાવ્યું. તેમણે કહ્યું કે આવા શિશુમંદિરો જ સમાજને સંસ્કારી બનાવી અપરાધ મુક્ત બનાવશે.

મુખ્ય મહેમાન તરીકે મોરબી કોલ એસોશીએશનનાં પ્રમુખ જિજ્ઞેશભાઈ કૈલાએ પધારી સારા કાર્યમાટે શિશુમંદિરને સહયોગની ખાત્રી આપી.વિદ્યાલયનાં ટ્રસ્ટનાં પ્રમુખ માં ડૉ.બાબુભાઇ અઘારા તથા ટ્રસ્ટનાં મંત્રી માં. જયંતિભાઈ રાજકોટિયાએ મહેમાનોનું સ્વાગત તથા સમગ્ર કાર્યકર્મનું માર્ગદર્શન કર્યું. વિદ્યાલયનાં નિયામક સુનિલભાઈ પરમારે સંધ, વિદ્યાભારતી, શિશુમંદિરનો ઉદેશ્ય “ શિશુ ક્રીડાલય” નું શું મહત્વ છે તે સમજવ્યું. વિદ્યાલયનાં વ્યવસ્થાપક હરકિશનભાઈ અમૃતિયાએ આભાર દર્શન કર્યું.મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિએ અનુભવ કરાવ્યો કે પ્રત્યેક વાલી ઇચ્છે છે કે પોતાના બાળકનો સમ્યક વિકાસ થાય.અંતે કલ્યાણ મંત્ર બોલી મીઠું મોઢું કરી, રમકડાની પ્રદશની નિહાળી બધાં આનંદથી છૂટા પડ્યા.