પશુઓમાં લમ્પી ડીસીઝના નિયંત્રણ માટે અત્યાર સુધી ૪ હજારથી વધુ પશુઓને રસી અપાઇ

પશુ દવાખાના અને ૧૯૬૨ની ટીમ સંયુક્ત રીતે કરે છે પશુઓની સારવાર

        હાલ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહેલા ગાયો-ભેંસોમાં લમ્પી ડિસીઝના સાવચેતીના ભાગરૂપે મોરબી જિલ્લામાં પશુપાલન વિભાગ એક્સન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

        પશુઓમાં જોવા મળતા લમ્પી રોગે મોરબી જિલ્લામાં ક્યાક-ક્યાંક દેખા દીધી છે ત્યારે તેને અટકાવવા તેમજ ઉપચાર માટે પશુપાલન વિભાગ સજાગ છે. પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. જે હેઠળ અત્યાર સુધી ચાર હજારથી વધુ પશુઓને રસી આપવામાં આવી છે. ઉપરાંત વધુ પશુઓને રસીકરણ દ્વારા સુરક્ષિત બનાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

        પશુ દવાખાના તેમજ ૧૯૬૨ની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ રોગનો ભોગ બનેલા પશુઓની સારવાર કરવામાં આવી રહી છે તેમજ પશુપાલન વિભાગ દ્વારા પેમ્પલેટ જનસંપર્ક તેમજ લોકોને મળીને આ રોગ વિશે જાણકારી આપવામા આવી રહી છે તેમજ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

        આ રોગમાં પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા, દૂધ ઉત્પાદન ઘટવું, ખાવામાં તકલીફ પડવી, ગાભણ પશુ તરવાઈ જાય વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.

        આ રોગને અટકાવવા તેમજ નિયંત્રણ માટે રોગીષ્ટ પશુઓને સૌપ્રથમ અલગ કરવું, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું, યોગ્ય દવાઓ દ્વારા માખી મચ્છર અને ઇતળીના ઉપગ્રહનો અટકાવ કરવો, પ્રથમ છ મહિનાની ઉંમરે અને ત્યારબાદ દર વર્ષે રસીકરણ દ્વારા રોગ નિયંત્રણ કરવું, રસી ન મૂકેલી તેવા મોટા પશુને ગમે ત્યારે પણ રસી મુકાવવી વગેરે પગલાંઓ લેવા નાયબ પશુપાલન નિયામક દ્વારા પશુપાકોને જણાવાયું છે.