મોરબી જિલ્લામાં ૬૫ ટકા ખરીફ પાકોનું વાવેતર કરાયું

૧.૩૫ લાખ હે.માં કપાસ તેમજ ૬૩  હજાર હે.માં મગફળી સાથે અન્ય પાક મળી કુલ ૨.૧૪ લાખ હેક્ટર માં ખેડૂતોએ વાવણી કરી

સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ મેહુલિયે મેર કરી છે. જેના પરિણામે વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. મોરબી જિલ્લામાં ખેડવાલાયક જમીનના ૬૫ ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો ૩૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે ખેડૂતો ખેતરે-ખેતરે વાવણી કરવા લાગ્યા છે. ખેડવાલાયક કુલ ૩.૨૫ લાખ હેક્ટર વિસ્તારમાં અંદાજિત કુલ ૨.૧૪ લાખ હેક્ટર જમીનમાં વિવિધ ખરીદ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

એટલે કે ૬૫ ટકા જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ખેતીવાડી શાખાના આંકડા મુજબ અંદાજે ૭૬ હેક્ટરમાં બાજરી, ૮૫ હેક્ટરમાં તુવેર, ૬૦૮ હેક્ટરમાં મગ, ૫૮૦ હેક્ટરમાં અડદ, ૬૩,૬૪૩ હેક્ટરમાં મગફળી, ૪૪૩ હેક્ટરમાં તલ, ૧૭૦ હેક્ટરમાં દિવેલા, ૪૩૦ હેક્ટરમાં સોયાબીન, ૧,૨૦,૫૮૬ હેક્ટરમાં કપાસ (પિયત), ૧૪,૮૯૦ હેક્ટરમાં કપાસ (બિનપિયત) ૧૮૯૫ હેક્ટરમા શાકભાજી, ૧૧,૨૩૩ હેક્ટરમાં ઘાસચારો, ૧૮૦ હેક્ટરમાં અન્ય પાકો ફળ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં આગામી સમયમાં પણ સારા વરસાદના પગલે બાકી વિસ્તારમાં ટૂંક સમયમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવશે.