હવે પોલીસ પણ સલામત નથી રહી ? માથાભારે શખ્સોને પકડવા ગયેલ શખ્સોએ હુમલો કર્યો

મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન અને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં અગાઉ મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી નવઘણભાઈ મોહનભાઈ બાંભવા જાતે ભરવાડ (ઉંમર ૨૯) રહે. મોરબી બાયપાસ રોડ તુલસી પાર્ક સોસાયટી અને મચ્છલાભાઈ ઉર્ફે લાલો પરબતભાઈ વરુ જાતે ભરવાડ (ઉંમર ૨૧) રહે. રાજકોટ કાલાવડ રોડ કોટેચા ચોક નાલંદા સોસાયટી શેરી નં-૫ વાળા મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ નજીક દ્વારકેશ હોટલ પાસે હોવાની હકીકત મળી હતી જેના આધારે આરોપીને પકડવા માટે થઈને ટંકારા પોલીસ અને એલસીબીની ટીમ ત્યાં સ્થળ ઉપર ગઈ હતી ત્યારે આરોપીએ પોલીસની સાથે ધક્કા મૂકી કરી હતી અને જપાજપી કરી હતી અને ત્યારે નવઘણભાઈ બાંભવાએ પોલીસ જવાન વિપુલભાઈ બાલાસરાને માથાના ભાગે ડાબી બાજુ લાકડી મારી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

જેથી હાલમાં ભોગ બનેલા વિપુલભાઈ ગગુભાઈ બાલાસરા (ઉંમર ૩૦)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવઘણભાઈ મોહનભાઈ બાંભવા અને મચ્છલાભાઈ ઉર્ફે લાલો પરબતભાઈ વરુની સામે આઇપીસી કલમ ૧૮૬, ૩૩૨, ૫૦૪, ૫૦૬ (૨) અને જીપીએફ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે