મોરબી ખાતે જિલ્લાકક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કાર્યક્રમ આગામી ૮મી માર્ચના રોજ યોજાશે
સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૮મી માર્ચ-૨૦૨૨ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ ઉજવણી કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
મોરબી ખાતે જિલ્લાના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ ઉજવણી કાર્યક્રમના આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલ બેઠકમાં નક્કિ થયા અનુસાર મોરબી જિલ્લામાં આગામી તારીખ ૮મી માર્ચ-૨૦૨૨ ના રોજ સવારે ૯-૩૦ કલાકે મોરબી ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમના આયોજન અંગેની આ બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યુ હતું કે, ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ની સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મહિલાઓને માન સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા અલગ અલગ થીમ નક્કિ કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. જે અનુસાર મોરબી ખાતે યોજાનાર જિલ્લાકક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લાની અગ્રેસર મહિલાઓનું સન્માન, માતા યશોદા એવોર્ડ વિતરણ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમ એનાયત, વહાલી દિકરી યોજનાના લાભાર્થીને કીટ/ મંજુરી હુકમ વિતરણ સહિત વિવિધ મહિલા કલ્યાણકારી યોજના હેઠળ કીટ વિતરણ જેવા કાર્યક્રમોને આવરી લેવા તકેદારી રાખવા ઉપરાંત હિંસા મુકત સમાજની કલ્પના, મહિલાઓ અને હિંસા, મહિલાઓ અને સમાનતા, સમાજમાં મહિલાનું મહત્વ જેવા વિષયોને આવરી લઇ પોસ્ટર, રંગોળી, નિબંધ, સ્લોગન, રાઇટીંગ સ્પર્ધાઓનું આયોજન કરવા અમલીકરણ અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સુચનો કર્યા હતા.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, મોરબી પ્રાંતઅધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, મહિલા અને બાળ અધિકારી મન્સુરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. જે.એમ. કતીરા, જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણ, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફીસર કોમલબેન, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.