સોલાર રૂફ ટોપ યોજના – સોલાર પેનલ લગાવી વિજળી બચાવો અને ઉત્પન્ન કરેલા વોલ્ટનું વળતર મેળવો

ઊર્જા બચાવવા માટેને શ્રેષ્ઠ વિકલ્પ એટલે સોલાર ઊર્જા લાભાર્થી – કે.પી. નગવાડિયા

સરકાર દ્વારા વિજળીનો બચાવ થાય તથા ગ્રીન ઊર્જા તેમજ રિન્યુએબલ ઊર્જા દ્વારા પ્રકૃતિના સંવર્ધન હેતુ ઊર્જા વિભાગ હેઠળ સોલાર રૂફ ટોપ યોજના અમલમાં મૂકી છે.

જે અન્વયે સોલાર રૂફ ટોપ યોજનાના લાભાર્થી મોરબીના કે.પી. નગવાડિયા જણાવે છે કે, પરંપરાગત ઊર્જા સ્ત્રોતનો જો આવી જ રીતે ઉપયોગ તેમજ વેડફાટ થતો રહ્યો તો આવતી પેઢી માટે શું વધશે તે પ્રશ્ન છે. આ સમસ્યાનો શ્રેષ્ઠ વિકલ્પ છે સોલાર ઊર્જા. હું છેલ્લા ત્રણ વર્ષથી સોલાર રૂફ ટોપ દ્વારા વીજળીનું ઉત્પાદન કરી રહ્યો છું. સોલાર પેનલ લગાવવા માટે સરકારની સબસીડી પણ મળી હતી. હવે સોલાર પેનલ લગાવવાના ખર્ચનું વળતર તો મળી જ ગયું છે સામે એક આવકનો સ્ત્રોત પણ ઉભો થઈ ગયો છે. સોલાર ઊર્જા થકી વીજળીનો સારો એવો બચાવ કરી શકાય છે. જેથી આવનારી પેઢી માટે આપણે ઊર્જા સ્ત્રોત પણ બચાવી શકીશું.

ઉલ્લેખનીય છે કે, સોલાર રૂફ ટોપ યોજના હેઠળ ઘરે કે અન્ય માલિકીની જગ્યાએ સોલાર પેનલ લગાવીને જેટલા વોલ્ટ વિજળી ઉત્પન્ન કરવામાં આવે સામે તેટલા વોલ્ટનો વપરાશ ઊર્જા વિભાગ દ્વારા માફ કરવામાં આવે છે તથા વધારાના વોલ્ટ માટે સરકાર દ્વારા ચૂકવણું પણ કરવામાં આવે છે.