મોરબી જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી રાત- દિવસ જોયા વિના સતત દોડતી ૧૯૬૨ ની ટીમ

લમ્પી વાયરસ સંદર્ભે જાહેર જનતાને સહકાર માટે ૧૯૬૨ ની અપીલ

જે ગામમાં ૧૯૬૨ ની ટીમની જરૂર હોય ત્યાં ગામના લોકો સાથે મળીને જ ગામમાં જેટલા કેસ હોય એકસાથે લખાવે, ૧૯૬૨ ની સેવા વધુ કાર્યક્ષમ બને તથા જરૂરિયાતમંદ પશુઓને આ સેવા સરળતાથી ઉપ્લબ્ધ થાય તેવો એકમાત્ર હેતુ 

લમ્પી વાયરસ સંદર્ભે પશુપાલાન વિભાગ સાથે ૧૯૬૨ ની સેવા પણ સતત કાર્યશીલ છે. ૧૯૬૨ ની વાનના પૈડા છેલ્લા ૧૫ દિવસથી થંભ્યા નથી. ૧૯૬૨ ની સેવાનો હજુ વધુ કાર્યશીલ ઉપયોગ વધારી શકાય તે માટે જાહેર જનતાને સહકાર આપવા અપીલ કરાઈ છે.

મોરબી જિલ્લામાં પશુઓમાં જોવા મળી લમ્પી રોગેને અટકાવવા તેમજ ઉપચાર માટે પશુપાલન વિભાગ સજાગ છે. પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. પશુઓને રસીકરણ દ્વારા સુરક્ષિત બનાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત પશુ દવાખાના તેમજ ૧૯૬૨ની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ રોગનો ભોગ બનેલા પશુઓની સારવાર કરવામાં આવી રહી છે.

 ૧૫ દિવસથી ૧૯૬૨ હેલ્પ લાઈનમાં કોલની સંખ્યા બમણી થઈ ગઈ છે જેના કારણે તેમાં સેવા બજાવતા ૧૯૬૨ ની મોરબી જિલ્લા ટીમની જવાબદારી પણ બમણી થઈ છે. ૧૯૬૨ ના પૈડા થંભ્યા વિના સતત દોડી રહ્યા છે અને આ જવાબદારી તેઓ બખુબી નિભાવી રહ્યા છે. ૧૫ દિવસમાં એક પણ દિવસ રજા વગર સ્ટાફ દ્વારા બમણી કામગીરી કરવામાં આવી રહી છે.

૧૯૬૨ દ્વારા મોરબી જિલ્લામાં જાહેર જનતા અને ગામડાના સરપંચશ્રીઓ તેમજ ગામના આગેવાનશ્રીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જે ગામમાં ૧૯૬૨ ની ટીમની જરૂર હોય ત્યાં ગામના લોકો સાથે મળીને જ ગામમાં જેટલા કેસ હોય એકસાથે લખાવી આપે. જેથી એક સાથે જ તેમની સારવાર કરી શકાય. ઉપરાંત બીજા પણ વધારે ગામોના પશુધનને આ સેવાનો લાભ નિરંતર મળી શકે. જે થકી ૧૯૬૨ ની સેવા વધુ ને વધુ કાર્યક્ષમ બની શકશે તથા જરૂરિયાતમંદ પશુઓને આ સેવા સરળતાથી ઉપ્લબ્ધ થઈ શકશે.