મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળામાં આ.શિ. તરીકે ફરજ બજાવતા વિજયભાઈ દલસાણીયાની રાજ્ય પારિતોષિક 2022 માટે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં મોરબી જિલ્લાના ગૌરવમાં અભિવૃદ્ધિ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. વિજય દલસાણીયાને અગાઉ પણ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ, મંથન ગ્રુપ મારફત રાષ્ટ્રીય એવોર્ડ અને અત્યાર સુધીમાં 18 જેટલાં સન્માન પ્રાપ્ત થયા છે.
વિજયભાઈ દલસાણીયાએ બાળકોના સર્વાંગી વિકાસ માટે વર્ગખંડ અને શાળામાં અનેક પ્રવૃત્તિઓ કરાવી છે. મૂલ્યલક્ષી શિક્ષણ, બાળકોની વિચારશક્તિ વિકસે, કલ્પનાશક્તિ ખીલે, તર્કશક્તિ ખીલે તે માટે અત્યાર સુધીમાં રિસેસમાં 900 જેટલી પ્રવૃત્તિઓ કરાવીને બાળકોના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.તદુપરાંત બાળકોની માતૃભાષા શુદ્ધ બને તે માટેના પણ અનેક પ્રયત્નો કર્યા છે. વર્ગખંડમાં આનંદદાયી શિક્ષણ માટે અનેક શૈક્ષણિક સાધનોનું નિર્માણ કરીને તેના મારફત શિક્ષણ આપવું એ વિજયભાઈ દલસાણીયાની એક આગવી વિશેષતા રહી છે. રોજે રોજની પોતે કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફેસબુકના માધ્યમથી રજૂ કરીને તેઓ રિસેસની પ્રવૃત્તિઓ થકી શિક્ષણજગત અને સમાજમાં ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. તેમજ અનેક શિક્ષકો માટે પ્રેરણારૂપ બન્યાં છે.




વિજયભાઈ દલસાણીયાએ શિક્ષણની સાથેસાથે અનેક પ્રકારની અન્ય કામગીરી પણ કરી છે. માતૃભાષાની સમૃદ્ધિ માટે નિ:સ્વાર્થ સેમિનાર કરવા, શિક્ષકો માટેના પ્રવૃત્તિલક્ષી શિક્ષણ માટેના અનેક ફ્રી સેમિનાર કરવા, તજજ્ઞ તરીકે કામગીરી કરવી, પ્રશ્નપેપરો તૈયાર કરવા, જિલ્લા કક્ષાએ પ્રશ્નપેપરોના પ્રૂફરીડિંગની કામગીરી કરવી, રાજ્યકક્ષાએ એજ્યુકેશનલ ઈનોવેશન રજૂ કરવા, ટોય ફેરમાં નેશનલ કક્ષાએ ભાગ લેવો તેમજ જી.પી.એસ.સી.ના ફ્રી સેમિનાર કરવા જેવી અનેક વિવિધ પ્રકારની કામગીરીઓ પણ કરી છે. લોકડાઉનમાં પણ અનેક પ્રયત્નો કરીને બાળકોના શિક્ષણના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
સાચા અર્થમાં શિક્ષકત્વને ખીલવીને બાળકોના વિકાસ માટે હંમેશાં કાર્યરત એવા શિક્ષકને આ એવોર્ડ પ્રાપ્ત થતાં ખરેખર એવોર્ડનું મૂલ્ય વધી ગયું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરેશભાઈ દલસાણિયા શ્રેયાન અધિક્ષક ગાંધીનગર, માનનીય નિલેશભાઈ રાણીપા જિલ્લા શિક્ષણાધિકારી મોરબી, માનનીય ભરતભાઈ વિડજા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી, પ્રવિણભાઈ ભોરણિયા મદદનીશ જિલ્લા કો- ઓર્ડિનેટર મોરબી, દિનેશભાઈ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી તેમજ ચિરાગભાઈ આદ્રોજા બી.આર.સી.કો-ઓર્ડિનેટર મોરબી, બાબુલાલ દેલવાડિયા સી.આર.સી. કો-ઓર્ડિનેટર આંબાવાડી તથા આંબાવાડી તાલુકા શાળા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ મોરબી તરફથી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ તકે જયેશભાઈ બાવરવા, અંકિત જોશી , સંજયભાઈ બાપોદરિયા સહિત અનેક મિત્રોએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો.
