મોરબી શહેરના અવની ચોકડી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને નબળા રોડ મુદ્દે મુખ્યમંત્રીને રજુઆત
મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવતા અવની ચોકડી વિસ્તારમાં આશરે 10 થી 12 સોસાયટીઓ આવેલ છે જે તમામ સોસાયટીનો મેઈન રોડ અવની ચોકડીથી હનુમાન મંદિરનો છે. આ રોડ પર છેલ્લા ચારેક વર્ષથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાય જાય છે. પરંતુ આ વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી.
આ વિસ્તારમાં આશરે 10 થી 12 હજાર લોકોનો વસવાટ છે અને સવારે બાળકોને શાળાએ જવામાં તેમજ મહિલાઓને જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા જવા માટે ઘણી મુશ્કેલી પડી રહી છે. આ બાબતે અમે અમારા વોર્ડના ચાર કાઉન્સીલરો, મોરબી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ તથા નગરપાલિકાના ચીફ ઓફિસરને મૌખિક રજુઆતો કરેલી છે.
આ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ દ્વારા મોરબી માળીયાના ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઇપણ પ્રકારના પગલા લેવામાં આવેલ નથી જેથી આ બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી .
મુખ્યમંત્રી દ્વારા વરસાદી પાણીના નિકાલ અને રોડ બાબતે સ્થાનિક અધિકારીઓ કે પદાધિકારીઓને સુચના આપીને ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી રહીશોની માંગ છે. આ વિસ્તારની સમસ્યાનો મુખ્યમંત્રી મારફત વહેલી તકે ઉકેલ આવશે તેવી રહીશોને આશા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જો આ વિસ્તારની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર વિસ્તારના 10 હજારથી વધુ મતદારો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવું અવની ચોકડી રોડ વ્યવસ્થા સમિતિ દ્વારા જાણવામાં આવ્યું હતું