મોરબીમા સરકારી કર્મચારીઓની મહારેલી યોજાઈ, અઢી હજારથી વધુ કર્મચારીઓ જોડાયા

લગભગ તમામ વિભાગના કર્મચારીઓએ રેલીમા જોડાઈને ભારે વિરોધ પ્રદર્શન કરી સરકારની કર્મચારીઓ પ્રત્યેની નિતી પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો.

કર્મચારીઓના જુની પેન્શન યોજના, સાતમા પગાર પંચ મુજબ ભથ્થા ચુકવવા, ખાતા મા ફરજ બજાવતા બઢતી મેળવેલા ૪૫ વર્ષથી વધુ વયના કર્મચારીઓને પૂર્વસેવા પરીક્ષા, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવા સહિતના પંદર જેટલા પડતર મુદ્દાઓ ના ઉકેલ માટે સરકાર સામે લડતનુ બુંગીયુ ફુંકવા માટે રાજ્ય કર્મચારી મહામંડળ અને કર્મચારી સંયુક્ત મોરચાએ તબક્કાવાર જાહેર કરેલ લડતના કાર્યક્રમના પ્રથમ ચરણ રૂપે મોરબી જીલ્લા કર્મચારી મહામંડળના નેજા હેઠળ શનિવારે તમામ વિભાગોના આશરે અઢી હજાર જેટલા કર્મચારી મિત્રોએ એક સાથે જોડાઈને મૌન રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર પ્રત્યે ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

રાજ્યના જુદા જુદા વિભાગોમા ફરજ બજાવતા કર્મચારી ઓ પોતાના હક્ક હિત મુદ્દે અન્યાય અનુભવી પિસાઈ રહ્યાની લાગણી અનુભવ્યા બાદ તમામ સરકારી વિભાગોના કર્મચારીઓ એક છજા હેઠળ એકત્ર થઈ રાજય કર્મચારી મહામંડળ અને સંયુક્ત કર્મચારી મોરચો રચાયો હતો. જેમા, કર્મચારીઓની અનેક પડતર માંગણીઓ મુદ્દે હક્ક હિત માટે લડતના મંડાણ કરવાના તબક્કાવાર ઘડાયેલા કાર્યક્રમ મુજબ શનિવારે ૩ જી સપ્ટેમ્બરે મોરબી જીલ્લા કર્મચારી મહામંડળના નેજા હેઠળ તાલુકા સેવાસદન લાલબાગ થી જીલ્લાના તમામ વિભાગોના આશરે અઢી હજાર જેટલા કર્મચારીઓએ જોડાઈને પદયાત્રા રૂપે રેલી યોજી જીલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા.

અહીંયા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ કર્મચારીઓના હક્ક હિત મુદ્દે નિરાકરણ લાવવા માંગણી રજુ કરી કલેકટર જે.બી. પટેલ ને કર્મચારીઓની વ્યથા પહોંચાડવા રજુઆત કરી હતી. સરકારી દફતરમા ફરજ બજાવતા કર્મચારીઓ સરકાર ની દરેક સિધ્ધી માટે કર્મચારીઓ દિન રાત જોયા વગર સરકારની યશગાથા માટે કામગીરી કરતા હોય ત્યારે તેઓને પોતાના હક્ક ના લાભો માટે લડવુ પડતુ હોવાનો વસવસો અને સરકાર પ્રત્યે કચવાટ ની લાગણી વ્યક્ત કરતા ચહેરા જોવા મળતા હતા.

આ તકે, રાજય કર્મચારી મહામંડળના પ્રમુખ ડી.ડી.જાડેજા, જમીન દફતર વિભાગના જીલ્લા પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી, માર્ગ મકાન વિભાગના રજનીકાંત પટેલ ઉપરાંત, શિક્ષક મંડળ, તલાટી મંડળ, રેવન્યુ મંડળ, આરોગ્ય, પંચાયત સેવા મંડળ સહિતના તમામ સરકારી વિભાગોના જુદા જુદા મંડળના હોદ્દેદારો કર્મચારી મિત્રો જોડાયા હતા. અને આગામી તા. ૭ મી એ સરકારે પાંચ મંત્રીઓની બનાવેલી સમિતીમા યોજાનારી બેઠકમા તમામ મુદ્દાઓનો ઉકેલ ન આવે તો ૧૧ મી સપ્ટેમ્બરે ઝોન કક્ષાએ રેલી-આવેદન, ૧૭ મી સપ્ટેમ્બરે માસ સી.એલ., ૨૨ સપ્ટેમ્બરે પેન ડાઉન અને ૩૦ મી સપ્ટેમ્બર થી અચોક્કસ મુદતની હડતાળ પાડવાનુ એલાન આપવામા આવ્યુ હતુ.