રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અઘ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો
શિક્ષક એ કોઈ સન્માનનો મોહતાજ નહીં પણ જ્ઞાનનો સરતાજ છે – મંત્રી બ્રિજેશભાઈ મેરજા
શિક્ષક દિન અન્વયે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અઘ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ – ૨૦૨૨ નું આયોજન વી.સી. હાઈસ્કૂલ- મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ ‘ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગું પાય, બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય’ સાથે જણાવ્યું હતું કે, આપણી પરંપરાગત સંસ્કૃતિથી શિક્ષકોનું આગવું મહત્વ રહ્યુ છે. બાળકોમાં જ્ઞાનનું સિંચન કરતા શિક્ષકો બાળકોને શિસ્ત, સંસ્કાર તથા શિક્ષણનું ભાથું આપે છે. ભાવિ ભારતનું ઘડતર કરતાં આ શિક્ષકો કોઈ સન્માનના મોહતાજ નહીં પણ જ્ઞાનના સરતાજ છે તેવું મંત્રીએ ગર્વભેર જણાવ્યું હતું. માર્ગ સલામતી વિષય હેઠળ બાળકોને પાયાથી જ અકસ્માત નિવારણ અંગે જ્ઞાન આપવા અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ મોરબી જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરી અને ઉપલબ્ધિઓ તથા વિધાર્થીઓ માટેની સુવિધાઓની છણાવટ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નિલેશભાઈ રાણીપાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભરતભાઈ વિડજાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.
આ તકે મંત્રીશ્રી સાથે સર્વે મહાનુભાવોના હસ્તે મોરબીના જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૬ જેટલા શિક્ષકોને ફૂલ પગારના ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મદદનીશ પોલિસ અધિક્ષક અતુલ બંસલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, અગ્રણી સર્વ જેઠાભાઈ પારેઘી, ઘનશ્યામભાઇ દેથરિયા, અશોકભાઈ, રવજીભાઈ તથા સર્વે તાલુકા શિક્ષણ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.