બી.આર.સી. ભવન, મોરબી ખાતે એસ.એસ.એ. કચેરી, મોરબી આયોજિત જિલ્લા કક્ષાની ધો. 6 થી 8 તેમજ 9 અને 11ના તાલુકા કક્ષાએ પ્રથમ આવેલા બાળકોની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલું.
આ સ્પર્ધામાં 26 જેટલા વિધાર્થીઓએ પોતે વાંચેલા પુસ્તકો વિશે દશેક મિનિટમાં પુસ્તકની માહિતી, કેન્દ્રવર્તી વિચાર, પુસ્તકની ઉપયોગીતા બાબતે મૌલિક ચિંતન વ્યક્તવ્ય સ્વરૂપે રજૂ કર્યા. ઇન્ટરનેટ અને મોબાઈલના યુગમાં પુસ્તકોનું ખૂબ ઊંડાણપૂર્વકનું અને રસપૂર્વકનું વાંચન અને અધ્ધયન કરીને આ બાળકોએ જે રજૂઆત કરી છે એ નિર્ણાયકોનું પાણી માપી લે એવી હતી.
ગીતા, ગાંધી, વિવેકાનંદ ને સરદાર આજે પહેલા કરતાંય વિશેષ પ્રસ્તુત છે. તો નવા વિષયો સાથે આવેલા પુસ્તકોમાં ભાણદેવ, ગિજુભાઈ ભરાડ જેવા લેખકોને પણ બાળકોએ નજરઅંદાજ કર્યા નથી. અકબર બીરબલ ને ચાણક્ય આજે પણ વાચકોને આકર્ષી રહ્યા છે એ બાબતે આજની સ્પર્ધા સાબિતીરૂપ રહી. એક એક બાળકની મહેનત અને એનાથીએ વધારે એના માર્ગદર્શક શિક્ષકની કર્મઠતા ઉપરાંત અંગત માર્ગદર્શન ધન્યવાદને પાત્ર છે. તેઓ જે આત્મવિશ્વાસ બાળકોમાં ઊભો કરી શક્યા છે એ ખરેખર એમનામાં રહેલી શિક્ષકની ઉચ્ચભાવનાની દ્યોતક બની રહી.
જિલ્લાકક્ષાના વિજેતાઓ રાજયકક્ષાની સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધારે એવી શુભેચ્છાઓ અત્રે હાજર રહેલા એસ.એસ.એ.ના નાયબ જિલ્લા કૉ ઓર્ડિનેટર પ્રવીણભાઈ ભોરણીયા આપી. બ્લોક કૉ. ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ વ્યક્તિત્વ વિકાસમાં પુસ્તકોના મહત્ત્વ વિશે રસપ્રદ વાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવા ઉપરાંત આખી સ્પર્ધાનું વ્યવસ્થિત આયોજન પાર પાડ્યું. નિર્ણાયકો તરીકે ડૉ. અમૃત કાંજિયા, હર્ષદ મારવણિયા, વિજય દલસાણિયા અને અનુભવી ઉત્સાહી સી.આર.સી. કૉ. ઓર્ડિ. રમેશભાઈ કાલરીયાએ સેવા આપી.