ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર, લેખક, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ ગઈકાલે આઠ જુલાઈના રોજ પોતાના પુત્રવધુ ડો. ઋષાલી મૌલિક ત્રિવેદીના પચીસમા જન્મદિવસે પચીસ લાખ રુપિયાનું દાન કરેલ છે.
સમર્થ ભાગવતકથાકાર પ.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વતન દેવકા ખાતે આવેલી વિદ્યાપીઠમાં કન્યાઓને તદ્ન રાહતદરે નિવાસ-ભોજન સાથે વિદ્યાભ્યાસનો સેવાયજ્ઞ ચાલે છે. જગદીશ ત્રિવેદીએ
આ વિદ્યાપીઠમાં પંદર લાખ રુપિયાની સેવા કરીને એક વર્ગખંડનું દાન આપ્યુ છે.
તદુપરાંત લીંબડી કેળવણી મંડળને દસ લાખ રુપિયાનું દાન કરી લીંબડી, પાણશિણા અને શીયાણી એમ કુલ ત્રણ માધ્યમિક શાળાઓમાં લાયબ્રેરીના ઓરડા સાથે પુસ્તકો તેમજ ફર્નીચરની સેવા કરેલ છે.
આમ પોતાના પુત્રવધુના પચીસમા જન્મદિવસે ઉજવણી અને જમણવારમાં ખોટો દેખાડો કરવાને બદલે કુલ ચાર શૈક્ષણિક સંસ્થામાં પચીસ લાખ રુપિયાનું દાન કરીને સમાજને ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.
જગદીશ ત્રિવેદી થોડાં દિવસ પહેલા જ અમેરીકા અને કેનેડાનાં ત્રણ મહીનાના પ્રવાસેથી પરત ફર્યા છે. ત્યાં કુલ એકતાલીસ કાર્યક્રમો કરીને મોટી ધનરાશિ પ્રાપ્ત કરેલ છે જે આરોગ્ય અને શિક્ષણ માટે દાન કરી રહ્યા છે.
(તસ્વીરમાં લીંબડી કેળવણી મંડળ વતી ગુજરાત ગૌણ પસંદગી મંડળના પૂર્વ ચેરમેન શ્રી પ્રકાશભાઈ સોની અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી સી.બી. જાડેજા અનુક્રમે ડો. ઋષાલી મૌલિક ત્રિવેદી તથા ડો. જગદીશ ત્રિવેદીનું સેવા માટે સન્માન કરી રહ્યા છે. )