રાજ્યમંત્રીના હસ્તે ૩૩ કર્મચારીઓને નિયમિત પગાર તથા ૫ કર્મચારીઓને બઢતીના હુકમ એનાયત કરાયા

કર્મયોગી યોગ કર્મનિષ્ઠ બની સંવેદના દાખવી લોકોની સેવા કરે –  મંત્રી બ્રિજેશભાઇ મેરજા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને તલાટી-કમ મંત્રી તથા ક્લાર્કને નિયમિત પગાર તથા બઢતીના હુકમો એનાયત કરવાનો કાર્યક્રમ ત્રિમંદિર ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર બનવા માટે નોકરીનું આગવું મહત્વ છે. વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં વિવિધ કેડરના ૯ હજાર જેટલા પંચાયતના કર્મચારીઓને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે. તલાટી-કમ મંત્રીઓના તથા વિવિધ કર્મચારીઓના પ્રશ્નો નિવારવા સરકાર સતત ચિંતિત છે. શ્રમયોગીઓની સમસ્યાઓને નિવારવા સરકાર કર્મચારીઓની સાથે છે. વધુમાં મંત્રીશ્રીએ કર્મનિષ્ઠ બની સંવેદના દાખવી લોકોના કામ કરવા કર્મચારીઓને અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા તથા અગ્રણી વિનોદ પટેલે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ૩૧ તલાટી-કમ મંત્રી તથા ૨ જુનિયર ક્લાર્કને નિયમિત પગાર ધોરણના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા તથા ૧ આંકડા મદદનીશ અને ૪ જુનિયર ક્લાર્કને બઢતીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, અગ્રણી સર્વ દુર્લભજીભાઈ દેથરીયા, અરવિંદભાઈ વાંસદડિયા, જીગ્નેશભાઈ કૈલા, નથુભાઈ કડીવાર, વિનોદ પટેલ, જયસિંહ પટેલ, અશોકભાઇ ચાવડા, વાઘજીભાઈ ડાંગરોચા જેઠાભાઈ પારગી સહિત અગ્રણીઓ તથા કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.