અત્યાર સુધીમાં નામકમી,નામમાં કે ફોટોમાં ફેરફાર, આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લીંક સહિતની ૮૬ હજારથી વધુ અરજીઓ આવી
હાઉસ ટુ હાઉસ સર્વે સહિત અનેક કાર્યક્રમો દ્વારા મતદાર યાદી સુધારાના ચૂંટણી શાખાના સઘન પ્રયાસો
ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં ૯ હજારથી વધુ યુવા મતદારો મળી કુલ ૧૫૦૧૧ લોકોએ નવા મતદાર તરીકે નોંધણી માટે અરજી કરી છે. આમ, આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં પ્રથમ વખત નવા યુવા મતદારો દેશના સૌથી મોટા લોકશાહીના પર્વમાં પ્રથમ વખત મતદાન કરી પોતના મતદાનના અધિકારનો અનુભવ કરશે.
આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં મોરબી જિલ્લામાં મતદાર યાદી ક્ષતિરહિત બને તેમજ મતદાન પ્રત્યે લોકજાગૃતી વધે અને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ કોઇ યુવા મતદાર મતદાનથી વંચિત ન રહે માટે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને મેજીસ્ટ્રેટ જે.બી.પટેલના માર્ગદર્શન તેમજ નાયબ જિલ્લા ચૂટણી અધિકારીના પ્રયાસો થકી હાઉસ ટુ હાઉસ સર્વે અને સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લાના ૩ વિધાનસભા મતવિસ્તારમાં નવા મતદારો તરીકે નોંધણી માટે ૧૫૦૧૧ અરજી આવી છે. જ્યારે આધારકાર્ડ ચૂંટણીકાર્ડ સાથે લિંક કરવા માટે ૫૩,૬૨૯ અરજીઓ, કાયમી સ્થળાંતર કે મૃત્યુના કારણે નામ કમી ની ૪,૫૩૨ અરજીઓ અને મતદાર યાદીની હયાત વિગતોમાં નામ-અટક, જન્મ તારીખ, ફોટો સુધારણા માટે તથા ડુપ્લિકેટ E-Pic માટે કુલ ૧૩,૧૪૯ અરજીઓ મળી હતી. આમ, આ સઘન કાર્યક્રમ હેઠળ કુલ ૮૬,૩૨૧ અરજીઓ આવી છે.
મતદાર યાદીને ક્ષતિરહિત કરવાના પ્રયાસોમાં જિલ્લા ચૂંટણી શાખા તથા સમગ્ર વહીવટી તંત્રને સફળતા મળી છે સઘન પ્રયાસો દ્વારા કુલ ૮૬,૩૨૧ અરજીઓ મળી છે. ત્યારે વધુમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ કાથડે જણાવ્યું હતું કે, મતદારો હજી સુધારા માટે તથા નવા મતદાર તરીકે નોંધણી માટે મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ પણ ચૂંટણી પહેલા સતત સુધારણા કાર્યક્રમ હેઠળ અરજી કરી શકશે. વધુમાં તેમણે મોરબીની જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ચાલો મતદારયાદીમાં જોડાઈએ અને મતદાન કરવા કટિબદ્ધ બનીએ.