આફત સામે પૂર્વ તૈયારી એ જ આપત્તિ નિવારણ માટેનો એક માત્ર ઉપાય

કાળજી અને સજાગતા થકી આફત સમયે થતી જાન-માલહાની તથા તેની તીવ્રતામાં ઘટાડો ચોક્કસ કરી શકાય

આવતી કાલનો દિવસ એટલે વિશ્વ ડિઝાસ્ટર રિડ્કશન ડે. ૧૩મી ઓક્ટોબરના દિવસને વિશ્વ ડિઝાસ્ટર રિડ્કશન દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે જાણીએ કે, આફતોની અસર કેવી રીતે ઘટાડી શકાય. ભૂકંપ, પૂર, વાવાઝોડું, આગ, અકસ્માત, રાસાયણીક દુર્ઘટનાઓ વગેરે જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓને સંપૂર્ણ રીતે અટકાવી શકાતી નથી, પરંતુ થોડીક કાળજી અને સજાગતાથી તેનાથી થતી જાન-માલહાની તથા તેની તીવ્રતામાં ઘટાડો ચોક્કસ કરી શકાય છે.

ભૂતકાળમાં કચ્છના વિનાશક ભૂકંપ, કંડલાનું વાવાઝોડું, મોરબી મચ્છુ ડેમનું પુર, સુરતનો પ્લેગ વગેરે જેવી દુર્ઘટનાઓએ માનવ જનજીવનને વેરવિખેર કર્યું હોવાના આપણે સાક્ષી રહ્યા છીએ. આજના દિવસે સમગ્ર વિશ્વમાં આ સઘળી બાબતો પર મંથન થાય છે. આફત દરવાજે ટકોરા મારીને આવતી નથી ત્યારે આપણે તમામ આપત્તિઓ સામે સતર્કતા દાખવીએ તે જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી આજે કુદરતી ઋતુચક્ર પણ અનિયમિત બન્યુ છે, જે આપણને કોઇપણ અણધાર્યા સમયના સામના માટે તૈયાર રહેવા સાવધાન કરે છે.

આજે આપણા મકાનોનું સુરક્ષિત અને ભૂકંપ પ્રતિરોધક બાંધકામ હોય તે જરૂરી છે. વાવાઝોડા પહેલાની તૈયારી અને રોડ ટ્રાફિકના નિયમોનું પાલન કરી અકસ્માતો નિવારી શકીએ છીએ. પૂર્વતૈયારી અને સજ્જતાના અભિગમને ધ્યાને રાખી આપણા બાળકોને વિવિધ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ દરમ્યાન શું કરવું અને શું ન કરવું ? તે અંગેની સમજ કેળવાય તેવા પ્રયાસો હાથ ધરવા પડશે. આપણા રહેણાંકની આસપાસ આવેલ જોખમોને સુરક્ષિત કરવાની જવાબદારી આપણી છે. ચાલો આપણા બાળકોને આવનાર સમય માટે સજ્જ-સતર્ક કરવાની જવાબદારી નિભાવીએ. કેમકે આપણે સૌ જાણીએ છીએ કે આફત સામે પૂર્વ તૈયારી એ જ એક માત્ર ઉપાય છે.

જિલ્લા વહિવટીતંત્ર તથા ડિઝાસ્ટ્ર મેનેજમેન્ટ શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ચાલો આપત્તિ નિવારણ અને તૈયારી અભિયાનમાં જોડાઇ સજ્જ અને સલામત સમાજના નિર્માણમાં ભાગીદાર બનીએ.