મોરબીના વતની રમેશભાઈ મેરજાએ ભાવનગરના કલેકટર તરીકેનો પદભાર સભાળ્યો

પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના લઘુ બંધુ રમેશભાઈએ કલેકટરનું પદ પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધાર્યું

ભાવનગરની ભૂમિ એટલે સરદાર પટેલને સૌથી પહેલા પોતાનું રજવાડું અર્પણ કરનાર કૃષ્ણકુમારસિંહજીની ભૂમિ ઈતિહાસના પાને ભાવેણાનું સોનેરી અક્ષરે અંકિત થયેલું છે ત્યારે આ ભવ્ય ભૂતકાળ ધરાવતા ભાવનગરના કલેકટર તરીકે ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના લઘુ બંધુ રમેશભાઈ મેરજાએ કલેકટર તરીકેનો પદભાર સંભાળી લીધો છે, કૃષિક્ષેત્રના સ્નાતક હોવા સાથે તેઓ કાયદાશાસ્ત્રના નિષ્ણાંત છે અને પત્રકારત્વમાં સ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરેલ છે.

વર્ષ:૨૦૧૨ ની બેચના આઈ.એ.એસ.એવા રમેશભાઈ મેરજા આ અગાઉ પાલિતાણા ખાતે ડે.કલેકટર, અમદાવાદ ખાતે ડે.કમિશ્નર, રાજકોટના નાયબ મનોરંજન કર કમિશ્નર, આનંદ અને નવસારીમાં જિલ્લા પુરવઠા અધિકારી, રાજ્ય સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં અધિક કલેકટર,નડિયાદ અને આનંદ ખાતે નિવાસી અધિક કલેકટર તેમજ પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી એમ અનેકવિધ હોદ્દાઓ પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી યશસ્વી કામગીરી કરી ભાવનગર કલેકટર તરીકે નિમણુંક મળતા પદભાર સંભાળી પોતાની કામગીરીનો આરંભ કરેલ છે, રમેશભાઈ મેરજા મોરબીના વતની હોય મોરબીનું ગૌરવ વધારેલ છે.