ઓટાળા ગામના ખેડૂતે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં ૫૦ હજારની સબસીડીનો લાભ મેળવ્યો

“ગોડાઉન હોવાથી જ્યારે બજારભાવ સારા મળે ત્યારે હું પાકનું વેચાણ કરી શકું છું” લાભાર્થી રાજેશભાઈ ગોલતર

ખેડૂતો તેમના પાકનો સરળતાથી સંગ્રહ કરી શકે અને તેનું સંરક્ષણ કરી શકે તે માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને નિયત ગોડાઉન બનાવવા માટે ૫૦ હજારની સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મેળવી રાજેશભાઈ મોમભાઈ ગોલતર જણાવે છે કે, હું મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઓટાળા ગામનો ખાતેદાર ખેડૂત છું. મેં સરકારશ્રીના ખેતીવાડી વિભાગ દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં સબસીડીનો લાભ લેવા માટે અરજી કરેલ હતી. જેમની મંજૂરી મળતા મેં મારા ખેતરમાં પાક સંગ્રહ સ્ટ્રકચર ગ્રામસેવકના માર્ગદર્શન મુજબ બનાવેલ છે. આમ ખેતરમાંથી મેળવેલ ઉત્પાદનનો સંગ્રહ મારા ખેતરમાં બનાવવામાં આવેલ પાક સંગ્રહ સ્ટ્રકચરમાં જ થઈ જાય છે જેથી પાકના હેરફેર કરવાનો ખર્ચ ઓછો થાય છે આ પહેલાં જ્યારે પાક ઉત્પાદન થતું ત્યારે મારે ગોડાઉન ન હોવાથી પાકનું ફરજિયાત જે ભાવ મળે તે ભાવમાં વેચાણ કરવું પડતુ હતું. હવે મારે ગોડાઉન હોવાથી જ્યારે બજારભાવ સારા મળે ત્યારે જ તેનું હું વેચાણ કરૂ છું. ઉપરાંત પાકની જાળવણી પણ સારી થાય છે.

 આમ, સરકારશ્રીની આ યોજના ખેડૂતો માટે ઘણી જ આશીર્વાદરૂપ છે. આ ગોડાઉનમાં મને ખેતીવાડી ખાતા દ્વારા રૂ.૫૦,૦૦૦/- ની સહાય મળેલ છે. જેનો હું આભાર વ્યકત કરૂ છું.