મોરબી જિલ્લાના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં બે વખત LPG સીલીન્ડર વિનામુલ્યે અપાશે 

યોજના હેઠળ જિલ્લાના વધુ ને વધુ લાભાર્થીઓને સાંકળવાના હેતુથી પૂરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજાઇ  

ઉજ્જવલા યોજના તથા પી.એન.જી./એલ.પી.જી. સહાય યોજના હેઠળ ઓક્ટો.-૨૨ થી ડિસે.-૨૨ તથા જાન્યુ.-૨૩ થી માર્ચ-૨૩ બે તબક્કામાં મળશે લાભ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય પી.એન.જી./એલ.પી.જી. સહાય યોજના હેઠળના તમામ લાભાર્થીઓને વર્ષમાં બે વખત એલ.પી.જી. સીલીન્ડરનું રીફીલીંગ વિનામુલ્યે આપવાના આયોજન અન્વયે ઇન્ચાર્જ જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી હર્ષદીપ આચાર્યના અધ્યક્ષસ્થાને જિલ્લાની ગેસ એજન્સીના સંચાલકો સાથે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં પૂરવઠા અધિકારીએ જિલ્લાની એજન્સીઓના સંચાલકોને આ આયોજન અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત આ યોજના હેઠળ જિલ્લાના વધુ ને વધુ લાભાર્થીઓને સાંકળી શકાય તે માટે સહકાર આપવા પણ એજન્સીઓના સંચાલકોને જણાવ્યું હતું.

વધુમાં જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી હર્ષદીપ આચાર્યએ જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૧.૦” ના તમામ તબક્કા “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦” તથા રાજ્ય સરકારની “પીએનજી/એલપીજી સહાય યોજના” ના લાભાર્થીઓને પ્રાપ્ત થશે. તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી ઉપરોકત ત્રણેય યોજનાઓમાં જે લાભાર્થીઓના એલ.પી.જી. કનેકશન ઇન્સ્ટોલ થયેલ છે, તે તમામ લાભાર્થીઓને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન કવાર્ટર દીઠ એક એમ કુલ ૨(બે) એલપીજી સીલીન્ડર “વિનામુલ્યે” આપવામાં આવશે.

સબંધિત લાભાર્થીઓને ઓકટોબર-૨૦૨૨ થી ડીસેમ્બર-૨૦૨૨ ના કવાર્ટર તથા જાન્યુઆરી-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૩ સુધીના કવાર્ટરમાં, દરેક કવાર્ટર દીઠ એક સીલીન્ડર “વિનામુલ્યે” આપવામાં આવશે. તા.૩૧ ડીસેમ્બર-૨૦૨૨ સુધીમાં જે લાભાર્થીઓને “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦” અંતર્ગત એલ.પી.જી. કનેકશન ઇન્સ્ટોલ થયેલ હશે તે લાભાર્થીઓને ઉપરોકત એક રીફીલ જાન્યુઆરી-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૩ના કવાર્ટર દરમ્યાન વિનામુલ્યે મળવાપાત્ર થશે.

 “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના” , “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦” ના લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા પ્રતિ રીફીલ રૂ.૨૦૦/- ની સબસીડી તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. આથી આ લાભાર્થીઓના ખાતામાં ભારત સરકારની સબસીડીની રકમ બાદ કર્યા પછી બાકી રહેતી એલપીજી સીલીન્ડરની રીફીંલીંગની કિંમત જેટલી સબસીડીની રકમ રાજ્ય સરકાર દ્વારા ઓઇલ માર્કેટીંગ કંપની મારફત લાભાર્થીના બેંક ખાતામાં D.B.T. મારફત જમા કરાવવામાં આવશે.

મોરબી જિલ્લાના ઉકત તમામ લાભાર્થીઓને આ યોજનાનો વધુ ને વધુ લાભ લેવા જિલ્લા પુરવઠા અધિકારી હર્ષદિપ આચાર્ય દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.