કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
એકતા દિવસ અન્વયે ૩૧ તારીખે યોજાનાર એકતા દોડના કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટરએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખૂબ સારો બને તે માટે વ્યવસ્થિત આયોજન કરવા માટે સૂચનો કર્યા હતા. વધુમાં તાલુકા કક્ષાએ પણ નોડલની નિમણૂક કરી સુચારૂ આયોજન કરવા તેમજ બેનરની પણ યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમ અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે વિગતે માહિતી આપી હતી.
એકતા દિવસ અન્વયે સમગ્ર જિલ્લામાં ૧૦૦ જગ્યાએ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબી ખાતે સ્વામિનારાયણ મંદિર સામે સરદાર પટેલના સ્ટેચ્યુ થી માર્કેટયાર્ડ સુધીના રૂટ ઉપર સવારે ૦૭:૦૦ કલાકે યોજાશે.
આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેકટરએ નિવૃત આર્મીમેનો તેમજ મોરબી શહેરની જનતાએ સફેદ ટી-શર્ટ તેમજ લોઅર્સમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ.શેરશીયા, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.