મોરબી ખાતે મચ્છુ નદી પરના ઝુલતા પુલની દુર્ઘટનાને કારણે સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા એ ઘટનાથી સમગ્ર ગુજરાત કમકમી ઉઠ્યું છે. આ કારમી કમનસીબ દુર્ઘટના ઘટી અને ચારે તરફ ચીસાચીસ અને બચાવો બચાવોનો કલશોર ચાલી રહ્યો હતો તે જ ક્ષણે આ અફરાતફરી વચ્ચે જુલતા પૂલની સાવ નજીક આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવક શ્રી સુભાષે એક પળનો પણ વિલંબ કર્યા વિના તુરંત બચાવ કાર્યવાહી માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. સુભાષની આ સમયસૂચકતાથી તેણે છ વ્યક્તિને પાણીમાંથી જીવતા બચાવ્યા હતા અને અન્ય બે વ્યક્તિને બહાર લઈ આવ્યા પછી તેના મૃત્યુ થયા હતા.
થોડી જ પળોમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંતો અને સ્વયંસેવકો દુર્ઘટનાગ્રસ્ત લોકોના બચાવની કાર્યવાહી તેમજ અન્ય સેવાઓમાં તેજ ગતિએ જોડાઈ ગયા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ દુર્ઘટનામા જેમણે સ્વજનો ગુમાવ્યા છે એવા પરિવારજનો માટે ભગવાનના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરીને સહાનુભૂતિ દર્શાવી છે. સાથે સાથે તેઓની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા રાહત રસોડાનો પણ આરંભ કરાઈ ગયો છે. બચાવ કાર્યવાહીમાં જોડાયેલા લશ્કરી જવાનો અને અન્ય લોકોને પણ ભોજનની વ્યવસ્થા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આખી રાત બચાવ કાર્યમાં સેવારત પોલીસ અને સ્વયંસેવકો માટે સવારે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ પ્રશાસન, પ્રેસ, NDRF, વહીવટી તંત્ર સ્ટાફ સહિત ૧૦૦૦ થી અધિક લોકો માટે બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.