વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ મોરબી કલેકટર કચેરી ખાતે કાર્યરત મીડિયા કન્ટ્રોલ રૂમ દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમો પર સતત ચાંપતી નજર.

જિલ્લા માહિતી કચેરીએ દ્વારા 3 ટીમોના આયોજન સાથે ૨૪ કલાક કાર્યરત મીડિયા કન્ટ્રોલ રૂમ

ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર મોરબી જિલ્લા સ્તરે MCMC સમિતિ કાર્યરત

ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર રાજ્યનાં પ્રત્યેક જિલ્લામાં માધ્યમ પ્રમાણીકરણ અને દેખરેખ નિયંત્રણ સમિતિ (Media Certification and Monitoring Committee(MCMC) ની રચના કરવામાં આવી છે. વિધાનસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના નિયમો મુજબ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી(MCMC)ની રચના કરવામાં આવી છે. જે અન્વયે કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મીડિયા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.ઉમેદવારો દ્વારા આપવામાં આવતી પેઈડ ન્યૂઝ, પેઈડ જાહેરાતો જેવી બાબતો ઉપર MCMC કમિટી બાજ નજર રાખી તેનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવાની કામગીરી કરી રહી છે.

 

જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે કાર્યરત આ કમિટી બે પ્રકારની મુખ્ય કામગીરી કરી રહી છે. કમિટી દ્વારા રાજકીય પક્ષો તરફથી ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરવામાં આવતી જાહેરાતોને પ્રમાણિત કરવાની તથા ઉમેદવારોની તરફેણમાં ઉમેદવારો/સંસ્થા/ટેકેદારો તરફથી પ્રિન્ટ મીડિયામાં આપવામાં આવતી જાહેરાતો અંગેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉધારવા અંગે(પેઈડ ન્યુઝ)ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વિજ્ઞાપનોનું પ્રમાણીકરણ તથા પેઈડ ન્યૂઝ સંબંધી તમામ ફરિયાદોની ચકાસણીનો સમાવેશ થાય છે.

 

મોરબી જિલ્લાની MCMC કમિટીના અધ્યક્ષ તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા, સભ્ય સચિવ તરીકે જિલ્લા માહિતી કચેરી-મોરબીના સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા અને સભ્ય તરીક અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.કે.મુછાર, નાયબ કલેક્ટરશ્રી-૨-મોરબી, એલ.ઈ. કોલેજના પ્રિન્સીપાલશ્રી, એન.આઈ.સી. અધિકારીશ્રી-મોરબી એમ કુલ ૬ સભ્યો ફરજ નિભાવી રહ્યા છે.

 

રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ન્યુઝ ચેનલો પર આપવામાં આવતી જાહેરાતો, પેઈડ ન્યુઝ અંગે ઓડિયો-વિઝયુલ રેકોર્ડિંગ અને ચેનલોના સતત મોનિટરીંગની કામગીરી આ સેન્ટરમાં થઈ રહી છે. રાજકીય પક્ષોએ રેડિયો, ટેલિવિઝનમાં જાહેરાત આપતા પહેલા આ કમિટી પાસે પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

3 શિફ્ટના આયોજન સાથે ૨૪ કલાક મીડિયા કન્ટ્રોલ રૂમમાં ઇલેક્ટ્રોનિક માધ્યમોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એમ.સી.એમ.સી.ના સભ્ય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ મીડિયા કન્ટ્રોલ રૂમમાં પુરી સજ્જતા સાથે કામગીરી થઈ રહી છે, અને એક પણ પ્રકારના પેઇડ ન્યુઝ કે મતદારોને પ્રલોભન આપતી બાબતોનું પ્રસારણ ન થાય તે નિયમિત સમયાંતરે સુનિશ્ચિત કરવામાં આવે છે.