ચૂંટણીમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ કે સિનિયર સિટીઝન્સ મતદાનથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું
ગત ૧૭મી નવેમ્બરના રોજ મોરબી જિલ્લામાં એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરશ્રી જેનું દેવન એ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચૂંટણી સાથે સંબંધિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરશ્રીએ જિલ્લામાં દિવ્યાંગો માટે કરવામાં આવેલી તથા આગામી સમયમાં ઉભી કરવાની થતી સુવિધાઓના આયોજનની સરાહના કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. ઉપરાંત ચૂંટણીમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ કે સિનિયર સિટીઝન્સ મતદાનથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા અંગે સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી પંડ્યા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ. કાથડ, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, PWD નોડલ અધિકારી અને ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારીશ્રી વૈશાલીબેન જોશી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરશ્રએ જિલ્લામાં ૬૭-વાંકાનેર વિધાનસભામાં આવતા મતદાન મથકો તથા બુથની મુલાકાત લીધી હતી.. તેમણે દરેક મતદાન મથકો પર આગામી ચૂંટણીના સમયે દિવ્યાંગો માટે અને ૮૦ વર્ષની ઉંમરથી ઉપરના સિનિયર સિટીઝન્સ માટે કરવામાં આવનારી રેમ્પ, વ્હીલચેર તેમજ વાહનોની વ્યવસ્થાની ચકાસણી કરી હતી. જે મુલાકાત દરમિયાન મુખ્ય ચુંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી વાંકાનેર, મામલતદારશ્રી વાંકાનેર અને PWD નોડલ અધિકારીશ્રી મોરબી તેમની સાથે જોડાયા હતા.