સિરામીક નગરી મોરબી મતદાનમાં હંમેશા અગ્રસર રહ્યું છે- સિરામીક એસો. પ્રમુખ

જરૂરથી મતદાન કરીને લોકશાહીના પર્વને સાર્થક કરવાની મોરબી જિલ્લા વાસીઓને હરેશ બોપલીયાની અપીલ

આગામી ૧લી ડિસેમ્બરે વિધાસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે તમામ મોરબી જિલ્લા વાસીઓને અવશ્ય મતદાન કરવા માટે મોરબી સિરામીક એસો. પ્રમુખ હરેશ બોપલીયાએ અપીલ કરી છે.

        મોરબી જિલ્લો સિરામીક ઉદ્યોગ થકી વિશ્વ સ્તરે આગની નામના ધરાવે છે ત્યારે હાલ મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની સાથે મોરબીની ઐતિહાસીક વિરાસતને ઉજાગર કરતું વિશેષ મતદાન મથક પણ બનાવવામાં આવનાર છે. ત્યારે મોરબી સિરામીક એસો.ના પ્રમુખ હરેશ બોપલીયાએ મોરબી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું છે કે, “સિરામીક નગરી મોરબી મતદાનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. મતદાન એ આપણે અધિકાર છે ત્યારે ખૂબ જરૂરી છે કે, આપણે સૌ જંગી મતદાન કરીએ.

આપણા તમામ તહેવારોની જેમ ચૂંટણી પણ લોકશાહીનો મહત્વનો પર્વ છે ત્યારે ચાલો આપણે સૌ આ મતદાનના પર્વમાં ભાગીદાર બનીએ. આપણો મત આપણું સન્માન, આવો કરીએ અચૂક મતદાન” તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.