હળવદ ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ભારતભૂમિને વિશ્વ ગુરૂ બનાવવા માટે સૌ સંગઠિત બની પ્રયાસો કરીએ  -કલેક્ટર જી.ટી.પંડ્યા

હળવદ ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની અનેરા ઉત્સાહ સાથેની ઉજવણી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાએ ધ્વજવંદન કરી, તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ આપતા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આજનો દિવસ સ્વાતંત્ર્ય વીરો અને દેશ માટે હસતા મુખે શહાદત વહોરનાર શહીદોને યાદ કરવાનો અવસર છે. દેશ માટે કંઈ કરી છૂટવાની પ્રેરણા આપતા તેમણે જણાવ્યું હતું કે, હવે દેશ માટે જીવી બતાવવાનો સમય છે, તો જ આપણે તિરંગાની શાન વિશ્વ ફલક પર હજી વધુ સારી રીતે ઉજાગર કરી શકીશું.

આ તકે કલેક્ટરએ જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય, માર્ગ અને મકાન, આયોજન, શિક્ષણ, પોલીસ, સમાજ કલ્યાણ, પાણી પુરવઠા, વાસ્મો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પીજીવીસીએલ, પુરવઠા સહિતના તમામ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ થયેલા જન કલ્યાણના કામોની પણ માહિતી આપી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સરકાર પ્રજાભિમુખ રહી અનેક વિકાસ કાર્યો કરી રહી છે ત્યારે આપણે સૌએ પણ દેશની ઉન્નતિ માટે યથાયોગ્ય સહભાગી બનવું જોઈએ. ભારતભૂમિને વિશ્વ ગુરૂ બનાવવા માટે સૌને સંગઠિત બની પ્રયાસો કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે તેમણે સરહદ પર તૈનાત જવાનોને વંદન કર્યા હતા.

આ ઉજવણીમાં મહિલા પોલીસ સહિત પોલીસના જવાનોએ પરેડ યોજી ત્રિરંગાને સલામી આપી હતી અને માર્ચ પાસ્ટ પણ યોજી હતી. લોકોને  દેશ ભક્તિના રંગે રંગી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના પોલીસ વિભાગ, વન વિભાગ, પીજીવીસીએલ વિભાગ, વાસ્મો, બાગાયત કચેરી, આરોગ્ય વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શિક્ષણ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ આઈસીડીએસ વિભાગ વગેરની વિકાસગાથા અને કામગીરી દર્શાવતા વિશેષ ટેબ્લોની સાંસ્કૃતિક ઝાંખી પણ લોકોએ હર્ષભેર નિહાળી હતી. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, હળવદ તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢિયાર, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, અગ્રણી રણછોડભાઈ અને જિલ્લાના પદાધિકારી/અધિકારીઓ, પોલીસના જવાનો, જિલ્લા તેમજ હળવદના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.