મોરબી : કલેક્ટરએ ભઠ્ઠાઓ પર જઈ બાળ મજૂરી  બાબતે લોકોને સમજાવી જાગૃત કરવા સૂચન કર્યું

કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લાની બાળ સુરક્ષા સમિતિ અને  બાળ કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ

કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લાની બાળ સુરક્ષા સમિતિ, બાળ કલ્યાણ સમિતિ, સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જુવેનાઈલ જસ્ટીસ કમિટીની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠક અન્વયે કલેક્ટરએ વિવિધ સમિતિઓ હેઠળ થઈ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી. ઉપરાંત જિલ્લામાં કાર્યરત ૩ બાળ સંભાળ ગૃહો : (૧) ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રાષ્ટ્રિય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, સરા રોડ, હળવદ, (૨) ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિદ્યાલય, શોભેશ્વર રોડ, મોરબી અને (૩) ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મિશનરીઝ ઓફ ચેરીટી, સરદાર બાગ,મોરબી સંસ્થાઓની દૈનિક ક્રિયા કેટલા ટાઈમે જનરલ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે તેના વિશે પૂછ્યું હતું. આ સંસ્થાઓ ખાતે સિવિલ હોસ્પિટલ દ્વારા ૩ મહિને એકવાર મહિલા ડોક્ટર્સની ટીમ સાથે મેડિકલ ચેકઅપ કરવામાં આવે તેવું સૂચન કર્યું હતું. બાળ મજૂરી અંગે જાગૃતિ ફેલાવવા કલેક્ટરશ્રીએ ભઠ્ઠાઓ પર જઈ બાળ મજૂરી બાબતે લોકોને સમજાવી જાગૃત કરવા જણાવ્યું હતું.

આ તકે મોરબી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલભાઈ શેરસીયાએ પાલક માતા પિતા યોજના, સપોન્સરશીપ, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન જેવી વિવિધ યોજના હેઠળ બાળ સુરક્ષા તેમજ બાળ કલ્યાણ અર્થે કરવામાં આવતી કામગીરીની જાણકારી આપી હતી. ઉપરાંત નગરપાલિકા વોર્ડ કમિટી દ્વારા તથા તાલુકા કક્ષાએ થતી કામગીરીની પણ છણાવટ તેમણે કરી હતી.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ઝાલા, જિલ્લાના બાળ સંભાળ ગૃહોના નિરાલી જાવિયા, આયુષી પોરિયા, સુરેશ ત્રિવેદી, ઉપરાંત જિલ્લાની બાળ સુરક્ષા સમિતિ, બાળ કલ્યાણ સમિતિ, સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જુવેનાઈલ જસ્ટીસ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.