પરરાગત ભવ્ય સોફા, વેશભૂષા સાથે બુલેટ, થાર, જીપ સહિતના વાહનોમાં સજ્જ થઈને મહિલાઓની ભવ્ય શક્તિ વંદના રેલી યોજાઈ, ટાઉન હોલ ખાતે તલવાર રાસ, ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, સરકારના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓએ નારીની ગરીમાને ઉજાગર કરતું ઉદબોધન કર્યું
મોરબી : આજના આધુનિક યુગમાં દરેક ક્ષેત્રે મહિલાઓ.પુરુષોને પણ હંફાવી રહી છે. છતાં એમ કહેવાય છે કે આજે મહિલાઓ પુરુષોની સમોવડી બની છે, તે ખરેખર અનુચિત છે. કારણ કે, નારી શક્તિનો અવતાર છે. નારી જો એક ઘરમાંથી બીજે ઘરમાં જઈને એ ઘરને પણ સ્વર્ગ બનાવી દેતી હોય તો ખરેખર પુરુષ કરતા નારી સવાઈ કહેવાય, હવે નારીને અબળા કહેવી મહાપાપ છે. આજની નારીઓ ઘર અને ઓફીસ એમ બન્ને મોરચે લડીને પણ સફળ થઈ છે. જ્યારે પુરુષને માત્ર આર્થિક ઉપાજનનું જ કામ કરવાનું હોય છે. એટલે નારી ઘર, ઓફીસ તેમજ સમાજને પણ સાચવીને પોતાની ગરીમાને ઉજાગર કરે છે એટલે નારી પુરુષ કરતા પણ ચડિયાતી છે તેમ આજે મોરબીના ટાઉન હોલ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગ દ્વારા યોજાયેલા વિશેષ કાર્યકમમાં મહિલા અધિકારીઓએ નારીની ગરીમાને ઉજાગર કરી હતી.
મોરબીમાં દરેક તહેવારની અનોખી ઉજવણી માટે રોલ મોડેલ બનેલા યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા વિંગ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની નારી શક્તિની વંદના કરીને અર્થસભર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કાઈ મોલ ખાતેથી સાંજે 4 વાગ્યે ભવ્ય શક્તિ વંદના રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા નાની બાળાથી માંડીને વયસ્ક મહિલાઓ પરંપરાગત સાફા અને વેશભૂષામાં સજ્જ થઈને બુલેટ, બાઈક, કાર, થાર, જીપ સહિતના અનેક વાહનોના કાફલામાં જોડાઈ હતી.જો કે આ તમામ વાહનોનું મહિલાઓએ ગર્વભેર ડ્રાઇવિંગ કર્યું હતું. આ રેલીમાં માત્ર મહિલાઓ જોડાઈને નારી શક્તિને ઉજાગર કરી હતી. મહિલાઓએ ખુલ્લી જીપ, થાર, મર્સીડિસ સહિતના વાહનો ચલાવી મુખ્યમાર્ગો ઉપર નીકળી લોકોનું અભિવાદન ઝીલીને ભારે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ રેલી સ્કાઇ મોલથી થઈ શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરીને ગર્વભેર ટાઉનહોલ ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી.
ટાઉનહોલ ખાતે રેલી પહોંચ્યા બાદ સભામાં ફેરવાય હતી. આ તકે જિલ્લા નાયબ કલેકટર શીતલબેન કાથડ, જિલ્લા રમતગમત અધિકારી હેમાલીબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, જિલ્લા પોલીસ અધિકારી એસ. આર. ઓડેદરાના ધર્મપત્ની પ્રિયાબેન ઓડેદરા સહિતના સમાજમાં મોભાદાર સ્થાન ધરાવતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે પી.જી પટેલ કોમર્સ કોલેજની દીકરીઓની જે રાષ્ટ્રીય કક્ષાએ દાંડિયા રાસની કૃતિએ મેદાન માર્યું હતું તે કૃતિ અહીં રજૂ કરવામાં આવી હતી. તેમજ બહેનો દ્વારા અદભુત તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ બહેનો અને દીકરીઓ સ્વંય સુરક્ષા કેળવે તે માટે ખાસ તાલીમ મેળવેલી બહેનો દ્વારા કરાટેનું ડેમોસ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહિલા અધિકારીઓના હસ્તે સમાજમાં વિવિધ ક્ષેત્રે આગળ વધીને મોભાદાર સ્થાન મેળવનાર મહિલાઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
સરકારના અલગ અલવ ક્ષેત્રે ફરજ બજાવનાર મહિલા અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દરેક નારીઓને મનમાંથી પોતે અબળા છે એવી લઘુતાગ્રંથિથી દુર થઇ જવું જોઈએ, હવે સમાજમાં કેટલાક અપવાદને બાદ કરતાં મહિલાઓનું વિશેષ સન્માન જળવાઈ રહે છે. લોકો હવે સંતાનમાં દીકરો આવે કે દીકરી ભગવાનનો આશીર્વાદ સમજીને કોઈ ભેદભાવ વગર દરેક સંતાનનો ઉછેર કરે છે. પણ હજુ નારી સામે ઘણા સંઘર્ષ છે. ઘર કે ઓફિસમાં અમુક પ્રોબ્લેમ રહે છે. પણ મુસીબતને ચલેન્જ સમજશું તો આપણે એ મુસીબતમાંથી સાંગોપાંગ બહાર નીકળીને સફળતા સુધી પહોંચી શકીશું. માટે દરેક નારીઓએ મુસીબત સામે બાથ ભીડવાની છે અને પોતાની ગરીમાં જાળવી રાખીને સફળતા ન મળે ત્યાં સુધી મથ્યા રહેવાનું છે.જો કે મહિલાઓએ બીજી મહિલાઓ સામે ઈર્ષા, અહમ, તિરસ્કાર, ઘૃણાની ભાવના છોડી એકબીજા પ્રત્યે સમભાવ કેળવશે તો સમાજમાં સુખ શાંતિ આવશે. આ કાર્યક્રમના અંતમાં યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીને આભારવિધિ કરીને નારી શક્તિની વંદના કરી હતી.