મહિલાઓની સહકારી પ્રવૃતિઓમાં ભાગીદારી, યર ઓફ મિલેટ અને G-20ની જન જાગૃતિ અંગે મોરબીમાં સેમિનાર યોજાયો

કોલેજના વિદ્યાર્થીઓમાં “વસુધૈવ કુટુંબકમ” વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.

 જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી મોરબી દ્વારા તા.૦૨/૦૩/૨૦૨૩ના રોજ સહકારી પ્રવૃતિમાં યુવાનો અને મહિલાઓની ભાગીદારી તેમજ યર ઓફ મિલેટ અને G-20ની જન જાગૃતિ અંગે સેમિનાર અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી સંઘ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મોરબી ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી જે.એ.પટેલ મહિલા કોલેજ, મોરબી ખાતે યોજાયો હતો.

કોલેજના વિદ્યાર્થીઓમાં સહકારી પ્રવૃતિ વિશે જાણકારી મળે, જાગૃતતા ફેલાય તેમજ મહિલાઓ અને યુવાનો સહકારી પ્રવૃતિ સાથે જોડાય તે અંગેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. G-20 સમિટ અંગે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ મોરબી, રાજકોટ સંઘના પ્રફુલાબેન સોની, તેમજ સંઘના ટ્રેનર દ્વારા સમજ આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના તજજ્ઞ દ્વારા મિલેટની આપણા રોજિંદા જીવનમાં ઉપયોગીતા અને ફાયદાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. G-20 સમિટમાં ભારતની પ્રેસિડેન્‍સી અન્‍વયે કોલેજના વિદ્યાર્થીઓમાં “વસુધૈવ કુટુંબકમ” વિષય પર નિબંધ સ્પર્ધા પણ યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં કોલેજની મહિલા વિદ્યાર્થીનીઓ, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ મોરબી, રાજકોટ જિલ્લા સહકારી સંઘના મહિલા સમિતિના સભ્યશ્રી, રાજકોટ જિલ્લા સહકારી સંઘના મેનેજર, સંઘના ટ્રેનર, કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર મોરબીના પ્રાધ્યાપક લાલજીભાઈ જીવાણી, દિલિપભાઇ સરડવા, કોલેજના પ્રિન્સિપાલ જે.બી.પટેલ તેમજ અન્‍ય કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.