હળવદ તાલુકામાં ૬૯૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપાના વાવેતર માટે કુલ રૂ. ૬ કરોડથી વધુનો ખર્ચ કરાયો

ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ૬૯૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપાના વાવેતર માટે કુલ રૂ. ૬ કરોડથી વધુનો ખર્ચ કરાયો, વૃક્ષોની માત્ર વાવણી જ નહીં પરંતુ જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ

ગુજરાત વિધાનસભાનું હાલ બીજું સત્ર ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ સંદર્ભે વિધાનસભામાં લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે મુજબ હળવદ તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ બે વર્ષમાં કુલ રૂ.૬૦૩.૯૬ લાખના ખર્ચે ૬૯૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપા વાવેતર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૭૦ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે પેટે કુલ રૂ. ૩૨૩.૦૮ લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો. તે જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩માં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૩૨૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેના માટે કુલ રૂ.૨૮૦.૮૮ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.

ક્લાયમેટ ચેન્જની અસર સંદર્ભે વિશ્વ આખું ચિંતા કરી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર વનના સંરક્ષણ માટે ક્ષેત્રીય અને સામાજિક વનીકરણ ઉપર વિશેષ મહત્વ આપી રહી છે. એટલું જ નહીં, માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેની જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.