૨ હજાર કિમી જેટલું અંતર સાયકલથી ફરી ૩૫૦ બાળકોને શોધી તેમના માતા-પિતાને મળીને બાળકોની કાળજી-ઉછેર અંગે માહિતી આપી
વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ એટલે મનોદિવ્યાંગ બાળકોના આરોગ્ય, સમાજમાં તેમના યોગ્ય સ્થાન અને ઘડતર માટેનો દિવસ. સમાજના તમામ ક્ષેત્રોમાં દિવ્યાંગજનોના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ્ય સાથે સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક જીવનના દરેક પાસાઓમાં દિવ્યાંગ જનોની સ્થિતિ વિશે જાગૃતતા લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સયુંકત રાષ્ટ્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષા તથા રાજ્યકક્ષાએ પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના પ્રિવોકેશન ટ્રેનિંગ સેન્ટર કેમ ભુલી શકાય ?
મોરબીમાં પોતાના ઘરે મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયા બાદ પિતાએ પોતાની વ્યક્તિગત કારકિર્દી કોરાણે મૂકીને દિવ્યાંગ બાળકોના વિકાસ માટે સંસ્થા શરૂ કરી, એટલું જ નહીં, અન્ય બાળકોને પણ પ્રશિક્ષિત કર્યા અને આવી બીમારી વિશે જાગૃતિ લાવવા સાયકલ યાત્રા કરી અનેક જિલ્લા ખુંદી વળ્યા. આજે પરિસ્થિતિ એવી છે કે, તેમણે એક નહીં ૩૫૦ આવા સ્પેશિયલ બાળકોના પાલનહાર બની ગયા છે.
વાત છે, મોરબીના વિજયભાઇ ઓરિયાની. ૨૦૦૪માં તેઓ પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી ઘડી રહ્યા હતા અને તેમના ઘરે નવા મહેમાનનું આગમન થયું. જયને શરૂઆતમાં કમળો થયો. અને તેની સારવાર દરમિયાન જાણવા મળ્યું કે જય નોર્મલ નથી. સ્પેશિયલ ચાઇલ્ડ છે. તબીબે ઘટસ્ફોટ કર્યો કે તેમને મેન્ટલ રિટર્ડેશન નામની બીમારી છે. તેની બોલવા, સાંભળવા અને વિચારવાની શક્તિ ખૂબ ઓછી છે. વિજયભાઇએ હિંમત ન ગુમાવી, પોતે કારકિર્દીને અધવચ્ચે છોડી જય અને તેના જેવા બાળકોને મદદ કરવાનું ભગીરથ સેવા કાર્ય શરૂ કરી દીધું.
તેમણે ભાવનગરની નટરાજ કોલેજમાં ડાઉન સિન્ડ્રોમ કે આવી બીમારીના બાળકોની કેવી રીતે કાળજી લેવી તે અંગેનો (DSECP)નો અભ્યાસ કર્યો . ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવી અને જયની સ્થિતિમાં ઘણો સુધારો થયો. આજે જય રોજિંદા બાળક જેવું જીવન જીવવા લાગ્યો છે. મેન્ટલ રિટર્ડેશન બીમારી હોવા છતાં જય ડાન્સ મોડલિંગ સ્પોર્ટ્સ એકટીવિટીમાં પણ જોડાયો છે. તેણે સ્પેશ્યલ રમતોત્સવમાં પણ સ્ટેટ લેવલની દોડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી બીજો ક્રમ મેળવ્યો. રાજસ્થાન ખાતે યોજાયેલી સ્પર્ધામાં ડાઉન સિન્ડ્રોમ બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ માટે જય ઓરિયા શ્રેષ્ઠ બાળકનો એવોર્ડ મેળવી ચૂક્યો છે.
આવા જય જેવા સ્પેશિયલ બાળકોની કાળજી રાખવા અંગે માહિતી આપવા મિશન ફોર સ્પેશ્યલ ચાઈલ્ડ નામથી તેમણે સાયકલ યાત્રા શરૂ કરી હતી. તેઓએ રાજ્યના ૧૨ જિલ્લાના ૮૪ તાલુકા વિસ્તારમાં ૨૦૦૦ કિમી જેટલું અંતર સાયકલથી ફરી ૩૫૦ બાળકોને શોધી તેમના માતા-પિતાને મળ્યા હતા અને બાળકોની કાળજી અને ઉછેર અંગે માહિતી આપી હતી.
આજે પણ આવા બાળકોના માતાપિતા સાથે તેઓ સંપર્કમાં છે અને માર્ગદર્શન આપે છે. મોરબી આસપાસના માનસિક બીમાર બાળકોની કાળજી લઈ શકાય તે માટે વિજયભાઈએ મિશન ફોર સ્પેશ્યલ ચાઈલ્ડ શરૂ કર્યું છે અને આવા બાળકોની કાળજી અને દેખરેખ માટે દાતાઓના સહયોગથી નવલખી રોડ પર પ્રિવોકેશન ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું છે. જ્યાં ૧૮ વર્ષની ઉમરના ૮ બાળકો રહે છે. આ બાળકોના પાલક પિતા બની વિજયભાઈ આવા ડાઉન સિન્ડ્રોમ પીડિત બાળકોને શારીરિક તાલીમ આપી રહ્યા છે.
આ પ્રિવોકેશન ટ્રેનિંગ સેન્ટર ખાતે પેપર બેગ, ફેન્સી શોપિંગ પેપર બેગ, પેપર ડીસ, મીણબત્તી, રૂની આડી-ઉભી દિવેટ, કોડીયા ડેકોરેશન તથા ડિજિટલ લાઈબ્રેરી તેમજ અન્ય પ્રવૃત્તિઓની નિ:શુલ્ક વ્યવસાયિક તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે.