ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ – ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આગામી તા. ૦૭/૦૫/૨૦૨૩ના રોજ લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની જગ્યાઓ પર ભરતીની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા. ૦૭/૦૫/૨૦૨૩ના રોજ પરીક્ષા સમય ૧૨:૩૦ થી ૦૧:૩૦ કલાક સુધી પરીક્ષા દરમિયાન પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ અન્ય સાહિત્ય કે કોઇપણ પ્રકારની અન્ય વસ્તુઓ લઈ જવી નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસ સવારે ૯:00 કલાકથી ૧૪:૦૦ કલાક સુધી ૧૦૦ મીટર(સો મીટર)ના વિસ્તારમાં ઝેરોક્ષની દુકાનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત વીજ પુરવઠો ખોરવાય નહી તે માટે સવારે ૦૯:૦૦ થી ૧૪:૦૦ કલાક દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર(સો મીટર)ના વિસ્તારમાં ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની જગ્યાઓ માટેની પરીક્ષા મોરબી જિલ્લાની કુલ ૫૪ શાળાઓ ખાતે યોજાનાર છે. પરીક્ષા દરમિયાન યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.