મોરબી : પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ સફાઈ કામદારનાં બાળકોને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા  

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા કલેક્ટરના હસ્તે સફાઇ કામદારના બાળકોને પ્રોત્સાહિત કરાયા

માર્ચ-૨૦૨૧માં ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલ સફાઈ કામદારનાં બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારનાં બાળકો અને તેમના આશ્રિતોનાં શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનાં હેતુથી ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષામાં (સફાઈ કામદારનાં બાળકો પૈકી) સમગ્ર રાજ્યમાં એક થી ત્રણ ક્રમ મેળવતા બાળકોને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

મોરબીમાં પણ જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા માર્ચ-૨૦૨૧ માં લેવાયેલ ધો-૧૦ બોર્ડની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સફાઈ કામદારનાં બાળકો પૈકી પ્રથમ ક્રમ મેળવનાર કુ. ઉર્વીબેન નીતિનભાઈ સારેસા ને આ યોજના હેઠળ રૂ. ૪૧,૦૦૦/- નો ચેક તથા પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટ જે.બી.પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી કારકિર્દી ઘડતર કરવા અને ભાવિ જીવન માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ મોરબીના કે.વી. ભરખડા હાજર રહેલા હતા.