વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખોટા દસ્તાવેજો બનાવી શેષ ઉઘરાવી પોતાના અંગત સ્વાર્થ માટે નાણા ઉપાડી લેવાના ગુનામાં સાત આરોપીઓ સામે એસીબીએ ફરિયાદ નોંધી હતી. જે ફરિયાદમાં વિવિધ દીશામાં તપાસ કર્યા બાદ સુરેન્દ્રનગર એસીબીએ સાતેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડમાં તારીખ 13-02-2015 થી 26-03-2015 સુધી ખોટા દસ્તાવેજ બનાવી રૂપિયા 23 લાખ 19 હજાર 754ની ઉચાપત થઈ હોવાની મોરબી એલસીબી પોલીસ જે.એમ.આલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જેની તપાસ સુરેન્દ્રનગર એસીબી પીઆઈ ડી.વી.રાણા પાસે હતી. જેમાં સાતેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં આરોપીઓની વાત કરવામાં આવે તો વિપુલ અરવિંદભાઈ એરવાડીયા સેક્રેટરી, અશોકભાઈ જયંતીભાઈ માતરીયા વાઈસ સેક્રેટરી, હિતેશભાઈ કાળુભાઈ પંચાસરા કલાર્ક, નિલેશભાઈ વિનોદભાઈ દવે ક્લાર્ક, પંકજભાઈ કાનજીભાઈ ગોપાણી કલાર્ક, ભાવેશભાઈ રમેશભાઈ દલસાણીયા કલાર્ક, અરવિંદભાઈ ભગવાનભાઈ રાઠોડ કલાર્ક સહિતનાઓની સુરેન્દ્રનગર એસીબીએ ધરપકડ કરી હોવાનું સુરેન્દ્રનગર એસીબી પીઆઈ ડી.વી.રાણાએ જાણકારી આપી હતી.
વધુમાં ખેડૂતોના હક્કના નાણા પોતાના અંગત સ્વાર્થ માટે વાપરનારા છેલ્લા કેટલાક સમયથી ફરાર હતા અને આગોતરા જામીન માટે પણ હવાતીયા મારતા હતા. પરંતુ માર્કેટિંગ યાર્ડમાં શેષ કૌભાંડમાં સામેલ સાતેય આરોપીઓની સુરેન્દ્રનગર એસીબીએ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે સાત આરોપીની ધરપકડ થયા બજા આરોપીઓ સામેલ છે કે કેમ તે દીશામાં પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.