વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને સ્વયંસેવકો દ્વારા આશ્રિતો માટે ભોજન અને આરોગ્ય સેવા તેમજ પશુઓ માટે ચારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે
બિપરજોય વાવાઝોડા સંદર્ભે આર.એસ.એસ.ની ટીમ દ્વારા મોરબી જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત એવા ૩૨ ગામોમાં સ્વયંસેવકોની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આર.એસ.એસ. દ્વારા સર્વે કરી એવા વ્યક્તિઓ કે માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાકાંઠાના ગામના લોકો તેમજ અગરિયાઓ કે જેમને આશ્રયસ્થાનો પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેવા લોકો માટે પણ ભોજનની વ્યવસ્થા આર.એસ.એસ. દ્વારા કરવામાં આવી રહી છે. જે અન્વયે અત્યાર સુધી ૯૦૦ થી વધુ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે.
આર.એસ.એસ.ની ટીમમાં ચાર સ્વયંસેવક ડોક્ટર્સ પણ છે. જે ગામોમાં તેમજ આશ્રયસ્થાનો પર મુલાકાત કરી જરૂરિયાતમંદ લોકોની સારવાર પણ કરી રહ્યા છે. આર.એસ.એસ. દ્વારા લોકોના સ્થળાંતર, બચાવ તેમજ રસ્તાઓ ક્લીન કરવા માટે વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઘાયલ માનવ, પશુની આવશ્યકતા અનુસાર ભોજન, ફૂડપેકેટ અને પશુચારાની ઉપલબ્ધિનો સુનિશ્ચિત કરવામાં આવી છે. વાહનો સરળતાથી અવર-જવર થઈ શકે તે માટે મુખ્ય રસ્તા ખુલ્લા રહે તે હેતુથી અને ગામડાઓમાં બંધ થયેલ વીજ પ્રવાહને ચાલુ કરવા તંત્ર સાથે જોડાઈને કામગીરી કરી શકાય તે માટે ટીમો દ્વારા તૈયારી કરવામાં આવી છે.
આર.એસ.એસ.ના વિભાગ કાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા અને સહ કાર્યવાહ જસ્મીનભાઈ અને જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ સ્વયં સેવકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.