મોરબી,સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે માધાપર વાડી કન્યા શાળા અને માધાપર વાડી કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વર્તમાન સમયમાં ગુરુ છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્રઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવા માટેના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત પ્રકલ્પ સહસંયોજક દિલીપભાઈ પરમાર દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવેલ.આ કાર્યક્રમમાં બંને શાળાના ધોરણ – 1 થી 8 માં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ અને બંને શાળાના 22 જેટલા શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
આ કાર્યક્મમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના સચિવ હિંમતભાઈ મા૨વણીયા તથા બંને શાળાના શિક્ષક ગણ તથા બંને શાળાના 700 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂપૂજન કરવામાં આવેલ. ભારત વિકાસ પરિષદના કાર્યો અંગેની રૂપરેખા અને કાર્યક્રમનું સફળ સંચાલન માધાપરવાડી શાળાના આચાર્ય અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડાસોલા દ્વારા કરવામાં આવેલ હતું.સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન જયેશભાઈ અગ્રાવતે કર્યું હતું.