મોરબીમાં ઝૂંપડામાં રહેતા માતા-પિતાનાં બે સંતાનને શિક્ષણ મળતા ખુશીનાં આંસુ ; સરકારનો આભાર માન્યો

ફુગ્ગા અને રમકડાની ફેરી કરી ગુજરાન ચલાવતા માતાના બન્ને બાળકો હરેશ અને મહેશને ફરીથી મળ્યો શાળામાં પ્રવેશ બાળ સુરક્ષા એકમનાં પ્રયાસથી આધાર કાર્ડ, રાશન કાર્ડ બન્યાં; રૂ. ૨૦૦૦ ની ઉચ્ચક સહાય પણ તેના બેંકના ખાતામાં જમા કરવામાં આવી

કહેવાય છે કે, વિદ્યા પર તમામ લોકોનો અધિકાર છે. આ અધિકારથી કોઇ વંચિત ન રહી  જાય તેવા પ્રયાસ સરકાર અવિરત કરી રહી છે. અને શિક્ષણની જ્યોત છેવાડાનાં માનવી સુધી પહોચાડવાનાં ભગીરથ પ્રયાસ કરી રહી છે. એટલુ જ નહી શિક્ષણ ઉપરાંત સરકારી યોજનાની સહાયથી  પણ કોઇ વંચીત ન રહે તેવા પ્રયાસો થઇ રહયાં છે.

શિક્ષણનું મહત્વ સમજાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ૨૦૦૩ થી ગામો ગામ શિક્ષણ યજ્ઞ પ્રગટાવેલ છે. આ માર્ગ ઉપર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  વિદ્યાર્થી અને વાલીઓમાં જાગૃતિ લાવવા શિક્ષણ વિભાગ તેમજ બાળ સુરક્ષા વિભાગને વિવિધ સૂચનો કરેલા   છે. ત્યારે મોરબી જિલ્લો પણ સરકારના આ સહિયારા પ્રયાસમાં કદમથી કદમ મિલાવી શિક્ષણની જ્યોત સમગ્ર મોરબી જિલ્લામાં પ્રગટાવી રહ્યું છે.

મોરબીનાં વાવડી રોડ ઉપર ઝૂંપડામાં રહેતા મહેશભાઇ અને હરેશભાઇનો અભ્યાસ  છુટી ગયો હતો. બન્ને ભાઇનાં પિતા નરશીભાઇ પરમાર પતરાનાં કારખાનામાં કામ કરે છે અને માતા મધુબેન ફુગ્ગા, રમકડાની ફેરી કરી ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રાજ્ય સરકાર કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ મેળવતા વચ્ચેથી શિક્ષણ છોડી ન દે તેવા ધ્યેય સાથે ઉમદા કાર્ય કરી રહી છે અને આવા બાળકોને શોધી શોધી શિક્ષણના માર્ગે વાળવાનું કામ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં બાળ સુરક્ષા એકમ આવા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને હુંફ આપી રહી છે. બાળ સુરક્ષા એકમ-મોરબી દ્વારા મહેશભાઇને ધોરણ ૩ અને હરેશભાઇને ધોરણ ૪માં પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમજ રૂ. ૨૦૦૦ ની ઉચ્ચક સહાય પણ તેના બેંકના ખાતામાં જમા કરવામાં આવી  હતી. આ ઉપરાત મહેશ, હરેશ અને તેના માતા- પિતાનાં આધાર કાર્ડ બનાવામાં આવ્યાં છે. માતા, પિતાને આવકનો દાખલો, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ, શ્રમ કાર્ડ વગેરે કાઢી આપવામાં આવ્યા છે. અને સરકારની યોજનાઓના લાભ મેળવવા માર્ગદર્શન આપી જરૂરી કાર્યવાહી કરાવી દેવામાં આવી છે આરોગ્ય વિભાગ એ સમગ્ર પરિવારનું હેલ્થ સ્ક્રિનિંગ કરી અને આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ પણ પરિવારને આપેલ છે.

મોરબી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે બાળ સુરક્ષાના સ્ટાફની નિયમિત મુલાકાત તથા કાઉન્સેલિંગ કરતાં આ બન્ને બાળકો નિયમિત શાળાએ જતાં થયા છે. બાળકોને સ્કુલ બેગ, લંચ બોકસ, વોટર બોટલ, કપાસ, સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. બાળકોને શિક્ષણની વસ્તુઓ મળતા ખુશ ખુશાલ થઈ ગયા હતાં.