દેશના યુવાનોના સપનાઓની ઉડાન માટે સરકારે પાંખો આપી

ડબલ એન્જિન સરકારના સહકાર થકી સક્ષમ, સફળ અને સ્વાવલંબી બનીને વિકાસના માર્ગે નિરંતર આગળ વધી રહ્યું છે યુવાધન

આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે એવી જ રીતે આજનું યુવાધન એ દેશ માટે મહત્વની મૂડી સમાન છે. ત્યારે આ યુવાધનના વિકાસ માટે અને ખાસ કરીને તેમના કૌશલ્યના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલી બનાવવામાં આવ્યા છે.

આપણો દેશનો યુવાન કોઈપણ ક્ષેત્રે પાછળ ન રહે અને વિશ્વ કક્ષાએ આગવી ઓળખ ઊભી કરે તે માટે સરકાર દ્વારા પૂરતો સહયોગ અને સાથ આપવામાં આવે છે. આત્મનિર્ભર ભારત મિશન હેઠળ યુવાઓ પગભર બની આગળ વધી શકે તે માટે સરકાર દ્વારા સપોર્ટ કરવામાં આવે છે. મનરેગા હેઠળ ગ્રામ્ય વિસ્તારના યુવાધનને રોજગારી માટે ક્યાંય બહાર ન જવું પડે, ગ્રામ્ય વિસ્તારમાં જ તેમને યોગ્ય કામ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે. તો નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય કક્ષાની સ્ત્રીઓને સરકાર દ્વારા પગભર બનાવવામાં આવી રહી છે. ગ્રામ્ય કક્ષાએ યુવાનો યોગ્ય વ્યવસાય કે કામ માટે તાલીમ મેળવી તેમના પોતાનો ધંધો ચાલુ કરી શકે તે માટે રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનીંગ નામનું પણ અભિગમ શરૂ કરવામાં આવ્યું છે. જે હેઠળ યુવાધનને તેમના રસ-રુચિ મુજબ વ્યવસાયની તાલીમ આપવામાં આવે છે અને આ વ્યવસાય માટે તેમને સરકાર દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાનો રોજગાર ઉભો કરવા માટે કે કોરોનાકાળ દરમિયાન પડી ભાંગેલા વ્યવસાયને ફરી પાછું બેઠું કરવા માટે સરકાર દ્વારા ગેરેન્ટી વિનાની લોન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ સ્વરોજગાર સાથે જોડાયેલા નવા ઉપક્રમો અને નાના ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહિત કરી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજગાર માટે એક તર્કનું સર્જન કરવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરો તરફ વળી રહેલા લોકોનું સ્થળાંતર અટકાવી ગ્રામીણ ક્ષેત્રોમાં જ બેરોજગાર યુવાનો અને કલાકારો માટે ગ્રામ્ય કક્ષાએ જ સ્થાયી રોજગારની વ્યવસ્થા કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

પીએમ મુદ્રા યોજના હેઠળ નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ ચાલુ કરવા માટે તદ્દન ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે જેથી યુવાઓ સાહસ કરી પોતાના કૌશલ્ય અનુસાર એક નવી દિશામાં ઉડાન ભરી શકે છે. તો પીએમ કૌશલ વિકાસ યોજના હેઠળ યુવાનોની અંદર રહેલા કૌશલ્યાઓનો વિકાસ થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. જે હેઠળ વિવિધ સંસ્થાઓના માધ્યમ દ્વારા દરેક ક્ષેત્રમાં લોકોને રોજગારી મળી રહે તે માટે વિવિધ ક્ષેત્રોમાં યુવાનોને પ્રશિક્ષણ આપવામાં આવે છે ઉપરાંત આ યોજનામાં વિભિન્ન કોમ્પ્યુટર જ્ઞાન થકી પણ યુવાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તાલીમ પૂરી થયા બાદ જે તે ઉમેદવારોને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.

આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા વગેરે આભિગમ કે અભિયાન દ્વારા યુવાઓ દ્વારા કરવામાં આવતા નવા આયામોને સપોર્ટ કરી તેમની સપનાઓની ઉડાનમાં સરકાર દ્વારા પૂરેપૂરો સહયોગ આપવામાં આવે છે. તો વિવિધ આઈટીઆઈ ખાતે ચાલતા વ્યવસાયિક કોર્સ દ્વારા પણ યુવાઓને વ્યવસાયિક માર્ગદર્શન અને શિક્ષણ આપી પગભર બનાવવામાં આવી રહ્યા છે. આમ, આવા અનેક આયોજન અને યોજનાઓથી આજનું યુવાધન સક્ષમ, સફળ અને સ્વાવલંબી બની રહ્યું છે અને વિકાસના માર્ગે નિરંતર આગળ વધી રહ્યું છે.